કચ્છ : પોતાની આગવી સંસ્કૃતિ અને મહેમાનગતિ માટે જાણીતા કચ્છના વિશ્વપ્રસિદ્ધ સફેદ રણમાં હાલ રણોત્સવ ચાલી રહ્યો છે. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જ પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિ અને કચ્છના પ્રવાસન સ્થળો અંગે પણ માહિતગાર થાય છે. તો અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળીને પ્રવાસીઓ પણ આનંદિત થઈ જતા હોય છે.
સ્થાનિક લોકો માટે રોજગારીનું માધ્યમ : કચ્છનું સફેદ રણ ન માત્ર પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલ છે, પરંતુ અહીં યોજાતા રણોત્સવ થકી સ્થાનિકોને રોજગારી પણ મળે છે. રણોત્સવ દરમિયાન વિવિધ રિસોર્ટના મેનેજમેન્ટ દ્વારા, પોતાની કલાકારીગરીથી બનાવેલ પ્રોડક્ટ્સના વેચાણ થકી, ગાઈડ બનીને, સાંસ્કૃતિક કાર્યક્રમમાં પરફોર્મન્સ કરીને, ઊંટગાડી ચલાવીને, ક્રાફટ બજાર તેમજ ફૂડ બજારમાં પોતાના સ્ટોલ રાખીને અહીંના લોકો રોજગારી મેળવતા હોય છે.
કચ્છની સંસ્કૃતિને વર્ણવતી નૃત્ય નાટિકા : સફેદ રણમાં યોજાતા રણોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં કચ્છી ખમીર, કચ્છના ભૂગોળ, ઇતિહાસ અને કચ્છની સંસ્કૃતિને વર્ણવતી નૃત્ય નાટિકા તેમજ "વ્રજવાણીની આહીરાણીઓ અને ઢોલી"ની અમર કહાની રજૂ કરતા ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. જેને નિહાળી પ્રવાસીઓ અભિભૂત થયા હતા. કચ્છના ઐતિહાસિક સ્થળો, કચ્છની રાજવી વિરાસતો રજૂ કરતો "કચ્છડો બારેમાસ" નાટક પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
પૂનમના ચંદ્ર ઓથે યોજાતો સાંસ્કૃતિક કાર્યક્રમ : કચ્છના રણોત્સવમાં યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં કચ્છની સંસ્કૃતિ તેમજ કચ્છના વિકાસયાત્રાને નૃત્ય, સંગીત તથા ગાયન સાથે જીવંત કરતી નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવે છે. ફુલ મૂન નાઈટના દિવસે યોજાતા કાર્યક્રમો પૂર્ણ ચાંદનીની સાથે કાર્યક્રમોમાં ચાર ચાંદ લગાવી દે છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કચ્છી લોક સંગીત અને કલાને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓ પણ કરવામાં આવે છે. ટેન્ટ સિટીમાં યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગરબા, સીદી ધમાલ નૃત્ય, ક્લાસિકલ ભરતનાટ્યમ, કથક વગેરે જેવા નૃત્યોની પ્રસ્તુતિ પણ કરવામાં આવે છે. સાથે જ સ્ટેન્ડ અપ કોમેડીનું પણ આયોજન કરવામાં આવે છે.
કચ્છને જાણવા અને માણવાનો અવસર : જો પ્રવાસીઓ રણોત્સવમાં સરકારના જાહેર કાર્યક્રમો યોજાતા હોય ત્યારે કચ્છના સફેદ રણની મુલાકાત લેવાના હોય તો તેઓ આ સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ લઈ શકે છે. સાથે જ ટેન્ટ સિટીની મુલાકાત માટે આવતા પ્રવાસીઓ ટેન્ટ સિટીમાં યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમ લાઈવ માણી શકે છે. આવા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી કચ્છની સંસ્કૃતિ, કચ્છી ખમીર અને કચ્છના ઇતિહાસને ઉજાગર કરે છે. કચ્છને જાણવા અને માણવા માંગતા પ્રવાસીઓએ આ સાંસ્કૃતિક કાર્યક્રમ અચૂકથી નિહાળવા જોઈએ.