ગાંધીનગર : આજે દેશભરમાં રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં પણ દરેક સેક્ટરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અયોધ્યા રામ મંદિરમાં પ્રભુ રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ રામ નવમી હોવાથી રામ ભક્તોમાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ હતું.
રામનવમીની ઉજવણી : આજે રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ગાંધીનગર દ્વારા રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામનવમીની ઉજવણીના ભાગરૂપે આયોજીત શોભાયાત્રામાં રથગાડી, ડીજે અને અખાડા સહિતના આક્રષણો હતા. ભવ્ય શોભાયાત્રામાં રામ ભક્તોને પ્રસાદ વિતરણ પણ કરાયું હતું. નોંધનીય છે કે, અયોધ્યાના રામ મંદિરમાં પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ આ પ્રથમ રામનવમી છે. ત્યારે દેશભરમાં રામભક્તો ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે.
પ્રભુ રામની ભવ્ય શોભાયાત્રા : ગાંધીનગર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સુનિલ ત્રિવેદીએ જણાવ્યું કે, 500 વર્ષ બાદ અયોધ્યા સ્થિત રામ મંદિરમાં પ્રભુ રામે સ્થાન લીધું છે. અયોધ્યા રામ મંદિરમાં ભગવાન બિરાજમાન થયા બાદ આ પ્રથમ રામ નવમી છે. તેના ભાગરૂપે ગાંધીનગર સેક્ટર સાતમાં આવેલા ભારત માતા મંદિરથી ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વ કાર્યકર્તાઓના સાથ સહકારથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
રામભક્તોમાં અનેરો ઉત્સાહ : ગાંધીનગર VHP પ્રમુખ સુનિલ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે, સમગ્ર હિન્દુઓની તાકાત વધે અને સનાતન ધર્મ માટે રામ રથયાત્રા ધામધૂમથી કાઢવામાં આવી હતી. જેમાં રથગાડી, બેન્ડવાજા, ડીજે, અખાડા, ભજન મંડળી સહિતના આકર્ષણો હતા. ઉપરાંત ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.