સુરત: જિલ્લાની લાજપોર જેલમાં બંધ કેદી ભાઈઓ માટે આજે રક્ષાબંધનના દિવસે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. કેદીઓને પોતાની બહેન રાખડી બાંધવા માટે લાજપોર જેલ ખાતે પહોંચી હતી. જેલ સંચાલકો દ્વારા રક્ષાબંધનના દિવસે બહેન-ભાઈને રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. છેલ્લા 4 વર્ષથી આ રીતે તહેવાર ઉજવવામાં આવે છે. જેલમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ખૂબ જ ભાવભૂત દૃશ્યો જોવા મળ્યા હતા. જેમાં ભાઈને રાખડી બાંધતી વેળાએ બહેન અને ભાઈની આંખોમાંથી અશ્રુ સરી પડ્યાં હતા. સમગ્ર માહોલ થોડીવાર ગમગીન થયો હતો.
લાજપોર જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઇ: આજરોજ સુરતની લાજપોર જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બહેનો ભાઈને રાખડી બાંધવા જેલ ખાતે પહોંચી હતી. ત્યારે એક તરફ બહેન ભાઈને રાખડી બાંધતી હતી, તો બીજી તરફ ભાઈની આંખો છલકાઇ ઉઠી હતી. ભાઈની આંખોમાં આંસુ જોઈને બહેન પણ પોતાના આંસુ રોકી શકી ન હતી. પોતાના વહાલસોયા ભાઈને જેલમાં કેદીની જિંદગી જીવતા જોઈને બહેન ખૂબ જ દુઃખી હતી. ભાઈને પણ જાણે પોતાના કરેલા કૃત્યથી પશ્ચાતાપ થતો હોય તે રીતે પોતાના પરિવારના સભ્યોને જોઈ રડી પડ્યો હતો. તમામ કેદી ભાઈઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
રક્ષાબંધન નિમિત્તે વિશેષ આયોજન: જોકે આ વ્યવસ્થાને લઈ લાજપોર જેલના નાયબ અધ્યક્ષ ડી.પી. ભટ્ટ એ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના પવિત્ર તહેવારના અનુસંધાને આજરોજ લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે પણ બંદીવાન ભાઈઓને એમની બહેનો રાખડી બાંધી શકે એ પ્રકારનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેલ પ્રશાસન તરફથી સર્વે કેદી ભાઈઓને અગાઉથી સૂચના આપવામાં આવી હતી કે, એમની બહેનો અહી રાખડી બાંધવા આવી શકશે તેવી સમક્ષ કરવામાં આવી હતી. જે અનુસંધાને આજે સવારે જન પ્રશાસન તરફથી સૌ પ્રથમ તો તમામ બંધીવાન ભાઈઓને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
3,000 કેદીઓએ રક્ષાબંધનની ઉજવણી કરી: વધુમાં જણાવતા કહ્યું કે, ત્યાર બાદ દરેક બંદીવાન ભાઈઓની બહેનો જે રાખડી બાંધવા માટે અહીયા આવી તેને લઈ જન પ્રશાસન દ્વારા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી. દરેક બહેન પોતાના ભાઈને રૂબરૂમાં રાખડી બાંધી આશીર્વાદ આપી શકે એ રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી. આશરે 3, 000 કેદીઓ પોતાની બહેન પાસે રાખડી બંધાવી આશીર્વાદ મેળવી શકે તેવું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું.