રાજકોટ: ઉપલેટામાં રાજપૂત સંકલન સમિતિ દ્વારા પુરૂષોત્તમ રૂપાલા વિરૂધ્ધ કાયદાકીય પગલા લેવા તેમજ તેમનું આચાર સંહિતા ભંગ કરવા બદલ ઉમેદવારી રદ્દ કરવા બાબતની માંગ સાથે ઉપલેટા રાજપૂત સંકલન સમિતિ દ્વારા સૂત્રોચાર સાથે ઉપલેટામાં મામલતદારને આવેદનપત્ર પાઠવાયું છે અને આ બાબતની અસર દેશમાં પણ થસે તેવું રાજપૂત સમાજના આગેવાન દ્વારા જણાવાયું છે.
![રાજકોટના ઉપલેટામાં પણ પુરૂષોતમ રૂપાલાના વિરોધમાં સુત્રોચ્ચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-04-2024/gj-rjt-rural-upleta-rajput-coordinating-committee-in-upleta-send-a-petition-to-the-mamlatdar-with-slogans-against-parshotam-rupala-gj10077_04042024143043_0404f_1712221243_420.jpg)
બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી ભાષાનો ઉપયોગ: ઉપલેટામાં રાજપૂત સંકલન સમિતિ દ્વારા પાઠવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે, રાજકોટ લોકસભા - 2024 ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાએ એક કાર્યક્રમ દરમ્યાન સમસ્ત રાજા રજવાડા વિશે કોમી ધાર્મિક લાગણી દુભાય અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના પ્રવચનો કર્યા હતા, જેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે વિડિયોમાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ રાજપૂતોના ઈતિહાસને ખોટી રીતે વર્ણવેલ છે જેનાથી રાજ્યમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
![રાજકોટના ઉપલેટામાં પણ પુરૂષોતમ રૂપાલાના વિરોધમાં સુત્રોચ્ચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-04-2024/gj-rjt-rural-upleta-rajput-coordinating-committee-in-upleta-send-a-petition-to-the-mamlatdar-with-slogans-against-parshotam-rupala-gj10077_04042024143043_0404f_1712221243_161.jpg)
રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ: પુરૂષોતમ રૂપાલાએ ક્ષત્રિય ગિરાસદાર સમાજ વિશે અપમાનજનક ટીપ્પણી કરી છે જેના લીધે સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજમાં રૂપાલા પ્રત્યે રોષની લાગણી ફેલાઈ ગઈ છે જેથી ઉપલેટા તાલુકાના તમામ રાજપૂત ક્ષત્રિય સમાજના સંગઠનો વતી ઉપલેટા મામલતદાર મારફત ચૂંટણી પંચ સમક્ષ ઉપરોક્ત બાબતની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને આ બાબતે જવાબદાર એવા પુરૂષોત્તમ રૂપાલાની રાજકોટ બેઠકની લોકસભા - 2024 ના ઉમેદવાર તરીકેની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી સમસ્ત ઉપલેટા તાલુકા રાજપૂત સંકલન સમિતિની લાગણી તથા માંગણી કરી છે.
![રાજકોટના ઉપલેટામાં પણ પુરૂષોતમ રૂપાલાના વિરોધમાં સુત્રોચ્ચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-04-2024/gj-rjt-rural-upleta-rajput-coordinating-committee-in-upleta-send-a-petition-to-the-mamlatdar-with-slogans-against-parshotam-rupala-gj10077_04042024143043_0404f_1712221243_584.jpg)
15 દિવસથી સમાજ લડત આપે છે: આ અંગે ઉપલેટા રાજપૂત સમાજના ઉપપ્રમુખ જયદેવસિંહ વાળાએ જણાવ્યું છે કે, રાજપૂત સમાજ સાથે અન્યાય થયો છે. પુરૂષોત્તમ રૂપાલા એક સભાની અંદર તમારા ક્ષત્રિય સમાજનો ઉજળો ઇતિહાસ હોય તેમને કલંકિત કરવા માટે એવા શબ્દો કાઢ્યા છે જે બાબતે અમારી માંગ છે કે પુરૂષોત્તમ રૂપાલાની દાવેદારી રદ થાય. આ બાબતમાં કોઈ અન્ય જ્ઞાતિનો અમે કોઈ વિરોધ કરતા નથી. રાજપુત સમાજનો એટલો ઉજળો ઈતિહાસ છે કે તેમને પોતાના રજવાડાઓ પણ આપી દીધા છે તો આ અમારા માટે કાંઈ મોટી વાત નથી. રાજપૂત સમાજની બહેનો દીકરીઓની ઈજ્જત, માન, મર્યાદા અમારે વધારે હોય છે કારણ કે અમે સૌ કોઈ લોકો એમના થકી ઉજળા છીએ ત્યારે તેમનું અપમાન અમે જરા પણ સહન કરી લઈએ નહીં. અમે એવું વિચારીએ છીએ કે આ સરકાર ભારતની અંદર એક રૂપાલા માટે જ ચાલતી હોય તેમ આજ છેલ્લા 15 દિવસ થયા સમાજ લડત આપે છે ત્યારે સમાજને કોઈ ન્યાય મળી રહ્યો નથી અને રૂપાલાની દાવેદારી અડગ રાખવા માટેના સરકાર પ્રયત્ન કરે છે ત્યારે રાજપૂત સમાજની વાત કરીએ તો ભારતમાં 22 કરોડ જેટલા રાજપુતો છે ત્યારે આનો પડઘો દરેક રાજ્યની અંદર પડવાનો છે અને ભાજપ સરકારની જ્યાં સીટો આવેલી છે ત્યાં તેની અસર થશે અને ક્ષત્રિયો કાયમી માટે વિરોધમાં રહેશે તેવું જણાવ્યું છે.
ગ્રામ્ય વિસ્તારોની અંદર વિરોધના વંટોળો: પુરૂષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓની અંદર રોષ વધુ વકર્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ રોષને લઈને રાજપૂત સમાજના આગેવાનો અગ્રણીઓ તેમજ મહિલાઓ વિરોધ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને આ વિરોધ શાંત પાડવા માટે બેઠકો તેમજ સંમેલનો પણ યોજવામાં આવ્યા હતા પરંતુ આ સંમેલનો નિષ્ફળ ગયા હોય અને મામલો થાળે ન પડતો હોય તેવી પણ બાબતો સામે આવી રહી છે. આ બાબતની અંદર રાજપૂત સમાજના આગેવાનો અગ્રણીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર વિરોધના વંટોળો વકરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે જેમાં ગ્રામ્ય વિસ્તારની અંદર ભાજપના આગેવાનોએ પ્રવેશ કરવો નહીં તેવા પણ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટરો તેમજ લેખો વાયરલ થઈ રહ્યા છે ત્યારે આવનારા દિવસોની અંદર આ વિરોધનો વંટોળ શાંત પડે છે કે કેમ તે જોવાનું રહ્યું છે. આ વિરોધના ભાગરૂપે ઉપલેટાની અંદર રાજપૂત સંકલન સમિતિએ બહોળી સંખ્યામાં એકત્રિત થઈ ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.