રાજકોટ : આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે. એવામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ છવાયો છે. જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના વિવિધ વિસ્તારોમાં પણ ભગવાન રામ લ લલ્લાને આવકારવા માટે ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.
ઇમિટેશન માર્કેટને રોશનીથી શણગાર : રાજકોટ શહેરની વર્ષો જૂની ઇમિટેશન માર્કેટને રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. આ સાથે જ અહીંયા બજારમાં રંગોળી પણ કરવામાં આવી છે. જ્યારે ઇમિટેશન માર્કેટમાં દિવાળી જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. તેમજ 22 જાન્યુઆરીએ અયોધ્યાની સાથે રાજકોટની ઇમિટેશન માર્કેટમાં ઉજવણી કરવામાં આવનાર છે.
ઇમિટેશન માર્કેટને રોશનીથી શણગારવામાં આવ્યું : અંગે રાજકોટ ઇમિટેશન માર્કેટમાં વેપારી હિતેશ સોનીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ ઇમીટેશન એન્ડ જ્વેલરી એસોસિએશન દ્વારા એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇમિટેશન બજારની રોશની કરવામાં આવી છે. આ સાથે જ અયોધ્યા મંદિરની થીમ પર અહી રંગોળી દોરવામાં આવી છે. ઇમિટેશન બજારમાં અંદાજિત 1200 જેટલી નાની મોટી દુકાનો આવેલી છે. આ તમામ દુકાનો ઉપર રોશની કરવામાં આવી છે. અમે બજારમાં 2100 ફૂટની અયોધ્યા નગરીની થીમ પર રંગોળી બનાવવાના છીએ. જે રાજકોટમાં લગભગ સૌથી મોટી રંગોળી છે. આ 2100 ફૂટની રંગોળી સાથે બીજી અન્ય 75 જેટલી નાની રંગોળીઓ પણ અહીંયા બનાવવામાં આવશે.
રામ વનમાં નિશુલ્ક એન્ટ્રી : 22 તારીખે ભગવાન રામ અયોધ્યા ખાતે મંદિરમાં બિરાજમાન થશે. જેને લઇને વિવિધ હિન્દુ સંગઠનોમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ મનપા દ્વારા 22 જાન્યુઆરીના રોજ આ દિવસે રામ વનમાં નિશુલ્ક એન્ટ્રી જાહેર કરવામાં આવી છે.
ભગવાન રામને આવકારવા ભક્તોમાં ઉત્સાહનો માહોલજ્યારે શહેરના વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે પણ રામ પધારે મારે ઘેર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે એમ આ સાથે જ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પણ મીની અયોધ્યા નગરી બનાવવામાં આવી છે. જ્યાં પણ 22મી જાન્યુઆરીએ રામ લલ્લાંને મંદિરમાં બેસાડવામાં આવશે. રાજકોટમાં છેલ્લા પાંચ દિવસથી અલગ અલગ વિસ્તારમાં ભગવાન શ્રીરામને આવકારવા માટે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. એવામાં શહેરની સૌથી મોટી મનાતી એવી ઈમિટેશન માર્કેટમાં પણ રોશનીનો શણગાર કરીને દિવાળી જેવો માહોલ લાગી રહ્યો છે.