રાજકોટઃ જનમ આપનારી માતાએ જ 9 માસની માસૂમ બાળકીને એસિડ પીવડાવી દીધું. ત્યારબાદ પોતે પણ એસિડ ગટગટાવ્યું. આ બનાવમાં માતાનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે ફુલ જેવી માસૂમ દીકરી ગંભીર રીતે ઘાયલ હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. આજે સામે આવેલી માહિતી અનુસાર બાળકીનું પણ મોત નીપજ્યું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભીમોરા ગામે આ ઘટના બની છે. આ ઘટનાથી માત્ર રાજકોટ જિલ્લામાં જ નહિ પરંતુ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર ઘટનાક્રમઃ રાજકોટના ઉપલેટાના ભીમોરા ગામમાં 22 વર્ષીય મનીષા મકવાણા પોતાના પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં તેણીને 9 માસની પુત્રી ધાર્મી ઉપરાંત તેણીના પતિ, સાસુ અને દીયર પણ હતા. બપોરના સમયે માતા-પુત્રી સિવાયના પરિવારના સભ્યો વાડીએ કામે ગયા હતા. આ સમયે કોઈ અગમ્ય કારણ સર મનીષાએ 9 માસની પુત્રી ધાર્મીને એસિડ પીવડાવી દીધું. પુત્રીને એસિડ પીવડાવ્યા બાદ મનીષાએ પોતે પણ એસિડ પી લીધું હતું. એસિડ પીધા બાદ મનીષાએ વાડીએ કામે ગયેલા પોતાના પતિ જગા મકવાણાને ફોન કરીને આ ઘટના વિશે જણાવ્યું. હાંફળા ફાંફળા પરિવારજનો ઘરે પહોંચ્યા. માતા-દીકરી બંનેની સ્થિતિ નાજૂક હતી. બંનેને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા. જો કે માતાને કોઈ પણ પ્રકારની સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. બાળકી પણ સારવાર હેઠળ હતી ત્યારબાદ આજે તેનું પણ મોત નીપજ્યું છે.
પોલીસ કાર્યવાહીઃ આ સમગ્ર બનાવને પગલે પાટણવાવ પોલીસે મૃતકના પતિની ફરિયાદને આધારે માતા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં મનીષા અને તેના પુત્રી ઘરે એકલા હતા ત્યારે તેણીએ આવેશમાં આવીને આ પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મનીષાના લગ્ન માત્ર 2 વર્ષ અગાઉ જ થયા હતા.
Vadodara Suicide Case : વડોદરામાં 50 વર્ષીય વૃદ્ધે બિલ્ડીંગ ઉપર ચઢી જીવન લીલા સંકેલી