રાજકોટ: તમે આંગડિયા પેઢીમાંથી કે બેંકમાંથી રોકડ રકમ ઉપાડવા જતા હોય તો ધ્યાન રાખજો ગઠિયાઓની નજર તમારા પર હોઈ શકે છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના હાથે એવી ટોળકી લાગી છે જે આંગડિયા પેઢી તેમજ બેંકમાંથી રોકડ રકમ ઉપાડીને પોતાના ટુ વ્હીલરની ડેકીમાં રાખનારા લોકોને પોતાનો શિકાર બનાવતા હતા. આ મામલે રાજકોટ પોલીસે અમદાવાદના છારા વિસ્તારમાં રહેતા બે આધેડને ઝડપી પાડ્યા છે. આરોપીઓ દ્વારા ન માત્ર રાજકોટ શહેર પરંતુ મુંબઈ, પુના, દિલ્હી સહિતના વિસ્તારોમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા.
આજીડેમ વિસ્તારમાં બે શખ્સો આટા ફેરા કરતા હતા
રાજકોટ શહેરમાં આંગડિયા પેઢી તેમજ બેંકમાંથી રોકડ રકમ ઉપાડ્યા બાદ કેટલાક વ્યક્તિઓએ પોતાના ટુ વ્હીલરની ડેકીમાં રાખેલી રોકડ રકમ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ચોરી કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાબતે ક્રાઈમ બ્રાન્ચની જુદી જુદી ટીમ દ્વારા આરોપીઓની શોધખોળ ચાલી રહી હતી. દરમિયાન રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમને હ્યુમન ઈન્ટેલિજન્સના માધ્યમથી બાતમી મળી હતી કે, રાજકોટ શહેરમાં રોકડ ચોરી કરનારી છારા ગેંગના બે જેટલા સભ્યો આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બે જેટલા વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. તેમની પૂછપરછમાં છારા વિસ્તારના અન્ય બે વ્યક્તિઓના નામ પણ ખુલ્યા છે. જેમાં પંકજ રાઠોડ અને વિશાલ ગારંગી નામના વ્યક્તિઓની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.
આંગડિયામાંથી પૈસા લઈને જતા લોકોને બનાવતા શિકાર
આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે પોતાની મોડસ ઓપરેન્ડી અંગે જણાવ્યું છે કે, જે તે શહેર વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીની દુકાનોની આજુબાજુ તેઓ રેકી કરતા હતા. તેમજ જે વ્યક્તિ રૂપિયા લઈને પોતાના ટુ વ્હીલરની ડેકીમાં મૂકીને ત્યાંથી આગળ જતા હતા, ત્યારબાદ આરોપીઓ તેમનો પીછો કરતા હતા. તેમજ જ્યારે તે વ્યક્તિ પોતાનું વાહન રેઢું મૂકે ત્યારે આરોપીઓ પોતાની પાસે ડેકી તોડવાના સાધનથી ડેકીનો લોક તોડી તેમાં રહેલ રૂપિયાની ચોરી કરતા હતા. આરોપીઓ દ્વારા ન માત્ર રાજકોટ શહેર પરંતુ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સાબરકાંઠા, હિંમતનગર, મોરબી, પુના, દિલ્હી, સહિતના શહેરોમાં પણ ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો: