રાજકોટઃ TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ SITની રચના કરવામાં આવતા તેના રીપોર્ટના આધારે ગેમ ઝોનના સંચાલકો ઉપરાંત પૂર્વ TPO મનસુખ સાગઠીયા, ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેર અને ડેપ્યુટી ફાયર ઓફિસર બી.જે.ઠેબા અન્ય કર્મચારીઓ તેમજ ગેમઝોન ભાગીદારો સહિત 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ ઘટના બાદ કલેકટર પ્રભવ જોશી દ્વારા પશ્ચિમ મામલતદારને સોંપેલી તપાસમાં સામે આવ્યુ કે, TRP ગેમ ઝોનનું બાંઘકામ રેસીડેન્સિયલની મંજૂરી સાથે શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ, આ જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ થતો હતો. જેથી, શરતભંગ થાય છે આ પ્રકારનો રિપોર્ટ પશ્ચિમ મામલતદાર દ્વારા કલેક્ટરને સોંપવામાં આવ્યો હતો. જેના આધારે કલેક્ટર દ્વારા TRP ગેમ ઝોનના ત્રણ માલિકોને શરતભંગની નોટિસ ફટકારવામાં આવી હતી. એક અઠવાડિયા બાદ શરતભંગનો કેસ સાબિત થશે તો જમીન માલિકોને દંડ સાથેની સજા ફટકારવામાં આવશે.
એક અઠવાડિયામાં જવાબ રજૂ કરવા આદેશઃ રાજકોટ કલેકટર પ્રભવ જોષીની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમા આ કેસની સુનવણી હતી. આ દરમિયાન જમીન માલિક કિરીટસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા અને રઘુરાજસિંહ જાડેજાના 2 વકીલ હાજર રહ્યા હતા. જેમના દ્વારા શરતભંગના આ કેસમાં જવાબ રજૂ કરવા માટે મુદત માગવામાં આવી હતી પરંતુ, કલેક્ટર દ્વારા એક અઠવાડિયામાં જ જવાબ રજૂ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. જેથી આગામી સમયમાં TRP ગેમ ઝોન શરત ભંગ કેસમાં સુનવણી પર સૌની નજર રહશે.