રાજકોટ: ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સંચાલિત એક શૈક્ષણિક સંસ્થા આવેલી છે. જેમાં વર્ષ 2020માં એક યુવતી આવી હતી જેની સાથે આ સંસ્થાના એક સંતનો સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક થયા બાદ સંત દ્વારા પ્રેમ જાળમાં ફસાવી લગ્નનું નાટક કરી મહિલાની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા બાદ દીક્ષા લઈ લેવાનું જણાવ્યું હતું.
ધાક-ધમકી આપીઃ આ દીક્ષાની વાત કર્યા બાદ યુવતીને ભોળવી યુવતી સાથે વારંવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધીને યુવતીને સગર્ભા બનાવી દેવાય હતી. જે બાદ સગર્ભા થયેલી યુવતીનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. આ ગર્ભપાત કરાવ્યા બાદ યુવતી પુનઃ સ્વામી પાસે આવી હતી જેમાં સ્વામી સાથે મતભેદ થયા બાદ સમગ્ર મામલે યુવતીએ પરિવારજનોને વાત કરી હતી. જેમાં આ મામલે પરિવારજનોએ સ્વામીને વાત કરતા સ્વામી દ્વારા આવી વાતો કોઈને કહેશો તો બદનામ કરી દેવામાં આવશે અને કોઈ તેમને કાંઈ નહિ કરી શકે તેવી ધમકીઓ આપી દબાવવાનો અને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો.
પોલીસ ફરિયાદઃ આ મામલે યુવતીએ સમગ્ર બાબત અંગેની પોલીસે ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. આ મામલાની પોલીસ ફરિયાદ રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી હોવાની પણ માહિતીઓ સામે આવી છે. આ ફરિયાદને ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ મામલાની અંદર પોલીસ ફરિયાદ નોંધાયાના 24 કલાક સુધી પણ પોલીસ કોઈપણ પ્રકારની માહિતી કે વિગતો જાહેર નથી કરતી અને કાંઈક છુપાવવાનું અને મામલો રફેદફે કરવા માટેની મથામણ ચાલી રહી હોય જેના કારણે મીડિયા સમક્ષ માહિતીઓ જાહેર નહોતી કરવામાં આવી કરવામાં આવી તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો હતો.
અંતે પોલીસે માહિતી જાહેર કરીઃ પોલીસ ફરિયાદના 2 દિવસ બાદ અંતે રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વિભાગના જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડિયા દ્વારા આ મામલે અંતે મીડિયા સમક્ષ માહિતીઓ જાહેર કરવામાં આવી છે. હજૂ પણ પોલીસની કામગીરીઓ ઉપર શંકાની સોય યથાવત છે. આ બાબત સામે આવતા સ્થાનિક ગ્રામજનોમાં પણ વિરોધના વંટોળ શરૂ થયા છે. અને ગ્રામજનોએ જણાવ્યું છે કે, આ સ્વામીઓ આ સંસ્થા અને આ ગામની અંદર પુનઃ આવવા ના જોઈએ. તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. તેવી પણ માંગ મીડિયા સમક્ષ રજૂ કરી છે કારણ કે, ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે અગાઉ પણ આવા કિસ્સાઓ બની ચૂક્યા છે અને તેમને કોઈ પણ પ્રકારે દબાવી દેવામાં આવ્યા હતા પરંતુ આ કિસ્સો બહાર આવ્યો છે.
આરોપીઓ નાસી જવામાં સફળઃ સ્વામિનારાયણ સંપ્રદાયના 2 સંતો અને સંચાલક સામે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં પોલીસ દ્વારા માહિતીઓ જાહેર નહીં કરવામાં આવતા મામલાની અંદર કાંઈ રંધાઈ રહ્યું હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ હતી. આ મામલામાં પોલીસ સ્વામી સુધી પહોંચે અને માહિતી જાહેર કરે તે પહેલા સ્વામી અને તેમના મુખ્ય સંચાલક ત્રણેય વ્યક્તિઓ નાસી જવામાં સફળ થયા છે. જેમાં પોલીસની જ ઢીલી નીતિનો લાભ લઈ બન્ને સંત અને મુખ્ય સંચાલક ફરાર થવામાં સફળ થયા છે. તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. જો કે આ સ્વામી વિદેશ સાથે સંપર્ક ધરાવતા હોય અને સ્વામી તેમજ મુખ્ય સંચાલક વિદેશ પણ ચોક્કસપણે ભાગી જશે તેવી આશંકાઓ સેવાઈ રહી છે.