રાજકોટ: વિજ્ઞાન અને ટેકનોલોજી યુગમાં આજે પણ લોકો અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે, અને બાળકોને સારવાર કરાવવાના બદલે ભુવા પાસે લઇ જઇ ડામ અપાવવામાં માની રહ્યા છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ રાજકોટમાં મેટોડા GIDC વિસ્તારમાં રહેતા, પરપ્રાંતીય પરિવારના 3 માસના બાળકને મધ્યપ્રદેશ ખાતે વતનમાં દાદા દાદીએ કોઈના કહેવાથી ભુવા પાસે લઇ જઈ અગરબત્તીના ડામ અપાવ્યા હતા. જો કે 15 દિવસ પછી બાળક રાજકોટ આવતા તેની તબિયત ખરાબ થતાં સારવાર માટે તેને રાજકોટના ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં રહેતો ખેતમજૂરી કરતો પરિવાર બીમાર બાળકીને ભુવા પાસે લઇ જઇ શરીરે ડામ અપાવ્યા એવા સમાચાર પણ સામે આવ્યા હતા.
શરીરે અગરબત્તીના બે ડામ આપ્યા: રાજકોટના મેટોડા GIDC વિસ્તારમાં કડિયા કામ કરતા રેમાભાઈ ગુંદીયા (ઉ.વ.23) એ જણાવ્યું હતું કે, મારે સંતાનમાં એક 3 માસનો દીકરો છે જેનું નામ શિવરાજ છે. અમારું મૂળ વતન મધ્યપ્રદેશનું જાંબવા છે, જ્યાં મારો પરિવાર રહે છે અને હું અહીંયા હતો. મારા પત્ની અને બાળક મારા માતા-પિતા સાથે રહેતા હતા. જ્યાં 15 દિવસ પૂર્વે મારા માતા-પિતા કોઈકના કહેવાથી માર બાળક શિવરાજને ભુવા પાસે લઇ ગયા હતા. અને ભુવાએ બાળકને શરીરે અગરબત્તીના બે ડામ આપ્યા હતા. ગઇકાલે મારી પત્ની અને બાળક રાજકોટ આવ્યા, દરમિયાન મારા બાળકને તાવ અને ઝાડા થતાં, સારવાર માટે રાજકોટના ઝનાના હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલ તેની તબિયત સારી છે.
વિજ્ઞાન-જાથાની ટીમ બનાવ સ્થળે દોડી આવી: બનાવની જાણ થતા વિજ્ઞાન જાથાની ટિમ રાજકોટ ઝનાના હોસ્પિટલ દોડી આવી હતી. અને મધ્યપ્રદેશના પરિવારની મુલાકાત કરી, બાળકની તબિયત કેવી છે તે જાણવા ત્યાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન બાળકના માતા-પિતા સાથે મળી ભુવા સામે પોલીસ ફરિયાદ કરવા અને જરૂરી કાર્યવાહી કરવા માટે તેમણે માતા-પિતાને માહિતગાર કર્યા હતા. જો કે ભુવા કોણ હતા, શ કારણે તેમણે ડામ આપ્યો, એ અંગે પરિવાર પણ અજાણ હોવાનું સામે આવ્યું છે.
અંધશ્રદ્ધાના કારણે સંપૂર્ણ પરિવાર હેરાન: આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં તેમજ હોસ્પિટલમાં પૂરતી સુખ સુવિધાઓ મળતી હોવા છતાં પણ ઘણા ખરા લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખે છે. અને આ અંધશ્રદ્ધાના કારણે સંપૂર્ણ પરિવાર હેરાન પરેશાન થાય છે એવા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે રાજકોટમાં સામે આવેલા આ કિસ્સામાં અંધશ્રદ્ધાને કારણે એક ત્રણ માસના માસુમ બાળકને ગંભીત રીતે ઇજા થવાનું સામે આવ્યું છે. હાલ આ મામલે વિજ્ઞાન-જાથા દ્વારા ઊંડાણપૂર્વક પૂછતાછ અને તપાસ કરી જરૂર પડતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી છે.