રાજકોટ: જિલ્લામાં બે દિવસ પહેલાં ગણતરીના સમયમાં જ પાંચ સ્થળે છરી બતાવી લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. જ્યારે ચોથો આરોપી ભાગી જતાં તેની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓએ પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ લૂંટફાટ કરવા નીકળી પડયા હોવાનું સામે આવ્યું છે.
સતત પાંચ વિસ્તારોમાં ચોરી: મળતી વિગત મુજબ જાણવા મળ્યું છે કે, રાજકોટ શહેરમાં બે દિવસ પહેલાં આરોપીઓ એક બાઈક અને બુલેટ ઉપર રેસકોર્સ રિંગ રોડ પર આવ્યા હતા. જ્યાં સમીર ઉર્ફે સમલો બુલેટમાં આંટાફેરા કરવા લાગ્યો હતો. અને પરિસ્થિતિ ચકાસવા લાગ્યો હતો. શિકાર મળતા જ તેણે બાકીના ત્રણેય આરોપીઓને લૂંટફાટ કરવાની સૂચના આપી અને આ ત્રણ જણા એક બાઈક ઉપર નીકળી પડયા હતા. આ ત્રણેય આરોપીઓએ બાઈક પર ત્રિપલ સવારી લઈ નાનામવા રોડ પર, મવડી બ્રિજ પર, ડો. હોમી દસ્તુર માર્ગ, ભક્તિનગર સ્ટેશન સર્કલ નજીક અને ગોંડલ રોડ પર એમ પાંચ સ્થળોએ છરી બતાવી લૂંટ કરી હતી. આમ આ આરોપીઓએ અજવાળે લૂંટ કરી આતંક મચાવ્યો હતો.
ત્રણ આરોપી અને એક લીડર: રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી ભરત ઉર્ફે ભરતો પોપટ પરમાર, રમીઝ ઉર્ફે બચ્ચો ઈમરાન જેસડીયા અને નિલેષ ઉર્ફે ભુરી ઉર્ફે ભુરો ગોપાલ વાઘેલાની લૂંટના ગુનામાં ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આ ત્રણેય આરોપીઓના લીડર તરીકે સમીર ઉર્ફે સમલો અબ્દુલ ઠેબાનું નામ સામે આવ્યું છે. જે ભાગી જતાં ક્રાઈમ બ્રાંચે તેની શોધખોળ હાથ ધરી છે.
પહેલા પણ અમુક ગુનામાં આરોપી હતા: એક સાથે પાંચ લૂંટ થતા સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચની ટીમો કામે લાગી હતી, અને સીસીટીવી ફુટેજ તેમજ ટેક્નિકલ અને હ્યુમન સોર્સીસ આધારે આરોપીઓના નામો મેળવી તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આરોપીઓ અંગે માહિતી મળતા તેમને ઝડપી પડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 4500, સોનાની બે કડી અને બાઈક મળી રૂપિયા 96,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તમને જણાવી દઈએ કે, ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ પોલીસને ચોપડે અમુક ગુના અંગે ચડયા હતા.