ઉપલેટા: ઉપલેટામાં દિવ્યજ્યોત દિવ્યાંગ સંસ્થા ખાતે રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને આગોતરી ઉજવણી કરી હતી. જેમાં ઉપલેટા પંથકની સામાજિક સંસ્થા, સંગઠનો અને ગ્રુપ દ્વારા દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી છે. ત્યારે આ તકે દિવ્યાંગ બાળકોમાં પણ આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
દિવ્યાંગ ભાઈઓ માટે કરી પ્રાર્થના
ઉપલેટાની દિવ્યજ્યોત દિવ્યાંગ સંસ્થા ખાતે દરેક તહેવાર તેમજ ઉત્સવોની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં અહીંયા દિવ્યાંગ બાળકોને તેમના પરિવારના સભ્યો રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે રાખડી બાંધવા પહોંચી શકે કે નહીં તે એક અલગ બાબત છે ત્યારે એ બાબતે વિચાર કર્યા વગર ઉપલેટા તેમજ આસપાસના પંથકની સ્થાનિક મહિલાઓના વિવિધ ગ્રુપ્સ, સંગઠનો અને સંસ્થાઓની મહિલાઓએ એકત્રિત થઈ દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે આ દિવ્યાંગ ભાઈઓ પુનઃ સામાન્ય વ્યક્તિ સમાન બની જાય તે માટે પણ વિશેષ પ્રાર્થના કરી છે.
અન્યોને પણ ઉજવણી કરવા આહ્વાન કરાયું
ઉપલેટાની દિવ્યાંગ સંસ્થા ખાતે આવેલ અનેક મહિલાઓ દ્વારા દિવ્યાંગ સંસ્થા પર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી દિવ્યાંગ નિખાલસ ભૂલકાઓને રાખડી બાંધી મીઠાઈઓ ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા. તેમજ સમગ્ર શહેર અને અન્ય લોકો અને સંસ્થાઓને પણ આવી રીતે સામાજિક કર્યો દ્વારા અનાથ અને દિવ્યાંગ બાળકોને તહેવારો પર સાથે રહી દરેક તહેવારની ઉજવણી કરવા અને તેમનું પ્રોત્સાહન વધારવા આહ્વાન કર્યું છે.
પ્રેમ અને સ્નેહનો મહાસાગર છલકાયો
આ તકે ઉપલેટા તથા આસપાસ વિસ્તારના ગ્રૂપના બહેનો હાજર રહ્યા અને નિખાલસ દિવ્યાંગ ભુલકાઓ સાથે પવિત્ર રક્ષાબંધનના પર્વ નિમિત્તે બધા બહેનોએ દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી અને તેની સાથે રાસ રમી આનંદ કર્યો હતો. આ તમામ ગ્રુપમાં ખોડલધામ મહિલા સમિતિ, દાસાપંથી મહિલા સમિતી, જે.સી.આઈ. ગ્રુપના બહેનો, યમુના મહિલા મંડળ, રાધે સેવા ગ્રુપ, ભારત વિકાસ પરિષદના બહેનો, ઉમા મહિલા સંગઠન સમિતિ, બ્રહ્મસમાજ મહિલા ગ્રુપ, આર.એન.આર. ગ્રુપ, યોગા મહિલા ગ્રુપ, બ્રમ્હા કુમારી બહેનો, શાકુંતલ સોસાયટી મહિલા ગ્રુપ, ભાયાવદરથી મહિલાનું ગ્રુપ તેમજ રાજકીય અને સામાજિક સંસ્થા સાથે જોડાયેલી મહિલાઓ તથા દિવ્યાંગ બાળકો સાથે લાગણીથી જોડાયેલા ઉપલેટા તથા અસપાસ વિસ્તારના સત્સંગ મંડળના અને અન્ય બહેનોને પધાર્યા હતા. ત્યારે આ તકે દિવ્યાંગ સંસ્થા વતી સંસ્થાના પ્રમુખ કિરણબેન પીઠિયા દ્વારા નાના ભૂલકાઓને રાખડી બાંધનાર તમામ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો.