રાજકોટઃ ધોરાજી શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે પીવાના પાણીના ટાંકાનું નિર્માણ થઈ રહ્યું છે. આ નિર્માણ પામી રહેલા પાણીના ટાંકાની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચારનો આક્ષેપ ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા લગાવવામાં આવ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે કે, નિયમ અનુસાર કે ટેન્ડર અનુસાર રેતી, સિમેન્ટ કે કપચીનો ઉપયોગ કરવામાં આવતો નથી. નબળી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે.
કયા આક્ષેપ કરાયા?: ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ધોરાજી શહેરમાં એક ટાંકો બનાવવામાં આવી રહ્યો છે. આ ટાંકાની અંદર જે મટીરીયલ વાપરવામાં આવે છે તે ટેન્ડરની શરતો મુજબનું નથી. બાંધકામમાં વાપરવામાં આવતા રેતી, કપચી તેમજ સિમેન્ટ નબળી ગુણવત્તા વાળી છે. જેમાં રેતીની અંદર ધૂળનું પ્રમાણ વધારે છે જ્યારે સિમેન્ટ છે ભીનો છે. સિમેન્ટની કોઈપણ પ્રકારની ડેટ જોવા મળતી નથી. સરકારી અધિકારીઓ આ ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલ છે અને કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગે છે.
મોટી દુર્ઘટનાની આશંકાઃ આ ટાંકાની અંદર જે મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે તેની ગુણવત્તાની ક્ષમતા થોડા જ સમયમાં સમાપ્ત થઈ જશે. આ ટાંકો થોડા જ સમયની અંદર ધ્વસ્ત થઈ તૂટી જશે અને કોઈ મોટી દુર્ઘટના પણ બની શકે છે. તેમજ જનતાને પાણીની સમસ્યા પુનઃ ભોગવી પડશે. તંત્ર આ મામલે કડક કાર્યવાહી કરે તેવી માંગણી કોંગ્રેસ તરફથી કરવામાં આવી છે.
પાણીની વિકટ સમસ્યાઃ ધોરાજી શહેરની જનતા છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહી છે. પાંચથી દસ દિવસે પીવાના પાણીનો જથ્થો મળી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ સમસ્યા દૂર કરવા માટે નવનિર્માણ પામી રહેલા પાણીના ટાંકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાથી અને નબળી ગુણવત્તાવાળા કામને પરિણામે શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યા છે. તેમણે તંત્રને ટકોર કરતા જણાવ્યું છે કે, કોન્ટ્રાક્ટર સામે પગલાં લઈ અને અહીં ચાલી રહેલા કામની ગુણવત્તાને મોનિટરિંગ કરી ચકાસણીને તપાસણી કરવામાં આવે તેમજ તેમના બિલો અટકાવી દેવામાં આવે અને તેમની ડિપોઝિટ જપ્ત કરી દેવામાં આવે.