રાજકોટ : રાજકોટમાં આંગણવાડી કર્મચારીઓ આજે મોટી સંખ્યામાં શહેરના જયુબેલી બાગ ગાર્ડન ખાતે એકઠી થઈ હતી. તેમજ અહીંયા ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. જ્યારે છેલ્લા ઘણા સમયથી આંગણવાડી મહિલા કર્મચારીઓની માંગ છે કે તેમને લઘુતમ વેતનમાં લાવવામાં આવે, આ સાથે જ તેમની જે પડતર માંગો છે તે પૂર્ણ કરવામાં આવે.
વાંરવાર રજૂઆતો : વારંવાર મહિલા આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ હજુ સુધી આ મામલે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. જેને લઇને આજે મોટી સંખ્યામાં આંગણવાડી મહિલા કર્મચારીઓ એકઠા થઈ હતી અને ઉગ્ર સૂત્રોચાર કર્યા હતા. જ્યારે હજુ પણ સરકાર દ્વારા તેમની માંગણી પૂર્ણ નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી પણ આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
સરકારે આપેલ મોબાઈલ કામ કરતા નથી : આ મામલે રાજકોટ જિલ્લા આંગણવાડી યુનિયન પ્રમુખ સંગીતા દવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકામાં વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જ્યારે રાજકોટના જયુબેલી ગાર્ડન ખાતે આ કાર્યક્રમ યોજાયો છે. આજે રાજકોટ જિલ્લાની તમામ તાલુકાની આંગણવાડી મહિલા કર્મચારીઓ અને હેલ્પર બહેનો જયુબેલી ગાર્ડન ખાતે વિરોધ કાર્યક્રમમાં જોડાઈ છે. તેમજ અમે બે દિવસની હડતાલ પાડી છે. જેમાં આજે અમે એકઠા થયા છીએ અને આવતીકાલે અમે રેલી યોજવાના છીએ. અમારી માંગણી છે કે સરકાર અમારો લઘુતમ વેતનમાં સમાવેશ કરે. સરકાર દ્વારા અમને વધારાની કામગીરી માટે જે મોબાઈલ આપવામાં આવ્યા છે તે મોબાઈલ ચાલતા નથી. ત્યારે સરકાર દ્વારા અમને સારી કંપનીના મોબાઈલ આપવામાં આવે જેના કારણે અમને કામમાં અગવડતા ના પડે.
પ્રમોશન અટકાવવામાં આવ્યા : જ્યારે આંગણવાડી મહિલા કર્મચારીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી આંગણવાડી મહિલા કર્મચારીઓના પ્રમોશન કરવામાં આવ્યા નથી અને અટકાવ્યા છે. ત્યારે લાયક મહિલા કર્મચારીઓને તાત્કાલીક પ્રમોશન આપવામાં આવે. આ સાથે જ હેલ્પર બહેનોનો જે 50 ટકાનો રેસીયો છે તે દૂર કરીને 75 ટકાનો રેસીયો કરવામાં આવે. તેમજ હેલ્પર બહેનોના પગારમાં પણ વધારો કરવામાં આવે. આ મામલે અનેક વખત સરકારને રજૂઆત કરી છે છતાં પણ સરકાર દ્વારા અમારી વાતને ધ્યાને લેવામાં આવતી નથી.
મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી : તાજેતરમાં જ વચગાળાનું બજેટ આવ્યું તેમાં પણ આંગણવાડી મહિલા કર્મચારીઓને માત્ર આયુષ્યમાન કાર્ડનો લાભ આપવાની વાત કરી હતી. જ્યારે અન્ય કોઈપણ પ્રકારનો લાભ થયો નથી. આ સાથે જ મહિલા આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા આગામી દિવસોમાં આંગણવાડી બંધ રાખવાની તેમજ મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.