રાજકોટ : તાજેતરમાં શહેરમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં કોઈ કારણોસર આરોપી મિત્રએ યુવક પર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જોકે સારવાર દરમિયાન તેનું મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો.
બે મિત્રો વચ્ચે થઈ બબાલ : બનાવની મળતી વિગત મુજબ રાજકોટના ચંદ્રેશનગરમાં એક યુવકની હત્યાનો આરોપ તેના જ મિત્ર પર લાગતા ચકચાર મચી ગઈ છે. ચંદ્રેશનગર શેરી નંબર 2 માં રહેતા 24 વર્ષીય કમલેશ વિનોદભાઈ રાઠોડને મિત્ર નિલેશ જીલુભાઈ વાઘેલા સાથે ઝઘડો થતા નિલેશે અને આશિષ ટાંકે જીવલેણ માર માર્યો હતો. જેમાં કમલેશ બેભાન જેવો થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઝગડો હત્યામાં ફેરવાયો : સારવાર દરમિયાન યુવકનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. માલવિયાનગર પોલીસ ટીમે હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. શકમંદો રાઉન્ડ અપ થઈ ગયા છે. પ્રેમ પ્રકરણમાં ડખ્ખો થતા આ હત્યા થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મૃતક કમલેશના માતાએ જણાવ્યું હતું કે, અઠવાડિયા પહેલાં થયેલી માથાકૂટમાં મારા પુત્રની હત્યા કરવામાં આવી હોય તેવું અનુમાન છે.
પોલીસ કાર્યવાહી અને તપાસ : રાજકોટ ACP બી. જે. ચૌધરીએ જણાવ્યું કે, ચંદ્રેશનગર વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. જેમાં બંને આરોપી દ્વારા યુવાનને માર મારવામાં આવ્યો. ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. કમલેશ ચામુંડા નગર વિસ્તારમાં રહે છે. નિલેશ વાઘેલાની પત્ની ઘણા સમયથી રિસામણે હતી, જે મૃતકને ખબર હતી. જેથી પત્ની ક્યાં છે તે જાણવા બાબતે ઝઘડો થયો હતો.