રાજકોટ: રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ મોટા પ્રમાણમાં થવાની ઘટનાઓ બની રહી છે. વેપારીઓ વધુ નફાની લાલચમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. રાજકોટમાં આજે દૂધમાં ભેળસેળ અને મિલાવટની ફરિયાદોને પગલે મનપાના ફૂડ વિભાગે આજે વહેલી સવારથી જ મંગળા રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં આવેલી 30થી વધુ દૂધની ડેરીઓમાં દરોડા પાડયા. દરોડ દરમિયાન દૂધના સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. આ દરોડાથી દૂધમાં ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
30થી વધુ ડેરીઓ પર દરોડાઃ રાજકોટના અલગ અલગ વિસ્તારોની છુટક દૂધનું વેચાણ કરતી ડેરીઓ પર ફૂડ વિભાગે દરોડા પાડ્યા. દૂધમાં મિલ્ક ફેટને બદલે વેજિટેબલ ફેટ અને પાણીની ભેળસેળ આજકાલ વધી રહી છે. આ વેજિટેબલ ફેટની ભેળસેળ એ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરવા બરાબર છે. તેથી ફૂડ વિભાગે આજે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની 30થી વધુ ડેરીમાંથી દૂધના સેમ્પલ મેળવી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. જો મિલ્ક સેમ્પલ પરીક્ષણમાં ફેલ જણાશે તો ફૂડ વિભાગ વેપારીઓને દંડ પણ ફટકારશે. ઉલ્લેખનીય છે કે આગાઉ શહેરના આજી ઈન્ડસ્ટ્રિઝ વિસ્તારમાંથી ચના જોર ગરમ એટલે કે દાબેલા ચણા બનાવવાનું કારખાનું ઝડપાયું હતું. જેમાં પણ અનેક ગેરરીતિઓ સામે આવતા ફૂડ વિભાગ દ્વારા આ ગોડાઉનને સિલ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ફૂડ વિભાગ દ્વારા શહેરમાં છૂટક દૂધના વહેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં વધુ તપાસ શરૂ કરી છે.
શહેરના મંગળા રોડ સહિત અલગ અલગ વિસ્તારની 30થી વધુ ડેરીઓમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. સામાન્ય રીતે દૂધની અંદર મિલ્ક ફેટની જગ્યાએ વેજિટેબલ ફેટની ભેળસેળ કરવામાં આવે છે. તેમજ દૂધમાં પાણી ભેળવીને દૂધની ગુણવત્તા હલકી કરવામાં આવતી હોવાની પણ ફરિયાદો સામે આવી રહી છે. દૂધમાં ભેળસેળ કરનાર વેપારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને દંડ પણ થઈ શકે છે...આર. કે. પરમાર(ઓફિસર, ફૂડ વિભાગ, રાજકોટ મનપા)