રાજકોટ: રાજકોટમાં મહાનગર પાલિકા દ્વારા થોડા સમય પહેલા જુદી-જુદી ત્રણ જગ્યાએ આધાર કાર્ડની કામગીરી કરવામાં આવતી હતી. પરંતુ ઉપરના આદેશ મુજબ ત્રણેય કેન્દ્રોમાં જે 18 જેટલા ઓપરેટરો હતા તેમને એક વર્ષ માટે ફરજ મોકુફ કરવામાં આવ્યા હતા. જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો અને લોકોને આધાર કાર્ડની કામગીરી કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેથી મહાનગરપાલિકાના દ્વારા હાલ ચાર ઓપરેટરોને આ કામગીરી સોંપવામાં આવી છે અને એક જ જગ્યા ઉપર આ કામગીરી થતી હોવાથી વર્ક લોડ વધ્યો છે. જેના પરિણામે આધાર કાર્ડની કામગીરી માટે કેન્દ્રોની બહાર લોકોની લાંબી કતારો પણ લાગી છે.
18 ઓપરેટરોને સસ્પેન્ડ કરાતા કામગીરી ખોરવાઈ
રાજકોટના મહાનગરપાલિકાના આધાર કેન્દ્ર ખાતે લોકોની લાઈનો લાગી હતી. જે અંગે અધિકારી નરેન્દ્ર આડેસરે જણાવ્યું હતું કે, અગાઉ 18 જેટલા ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેથી લોકોને મુશ્કેલી પડતી હોવાથી હાલમાં મનપા દ્વારા ચાર ઓપરેટરો આધાર કાર્ડની કામગીરી કરી રહ્યા છે.
ઓપરેટરોની ભરતી કરવા સરકારમાં રજૂઆત
તેમણે કહ્યું કે, અમુક ઓપરેટરોના સસ્પેન્ડ ઓર્ડર કેન્સલ કરવામાં આવે અને નવા ઓપરેટરોની ભરતી માટેની પ્રોસેસ માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. શહેરમાં અન્ય 25 જેટલી જગ્યાએ આધાર કેન્દ્ર શરૂ છે. તો ત્યાં પણ આધારકાર્ડ અપડેટ કરાવી શકાય છે. આ ઉપરાંત આધારા કાર્ડમાં લોકોને કેટલીક ભૂલો આવતી હોય છે, તેના પર તેમણે કહ્યું કે, નામ અને જન્મ તારીખ સહિતની વિગતો લખાય છે ત્યારે ઓપરેટર દ્વારા પહેલા અરજદારને બતાવવામાં આવે છે. નામમાં ભૂલ થવા પાછળ ઓપરેટરની ભૂલ ન ગણી શકાય. અરજદારે પોતે આધાર કાર્ડની કામગીરી વખતે ધ્યાન રાખવું જોઈએ.
આ પણ વાંચો: