રાજકોટ: હાલમાં જ વાતાવરણમાં આવેલા પલટાને કારણે મુંબઈમાં વિશાળ હોર્ડિંગ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં 14 લોકોના મૃત્યુ થતાં વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. ETV Bharat દ્વારા રાજકોટ શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ભાગમાં લાગેલા મહાકાય અને તોતિંગ હોર્ડિંગ્સ મુદ્દે રિયાલીટી ચેક કરવામાં આવ્યું હતું.
જાનહાનિના સમાચાર નથીઃ સૌરાષ્ટ્ર-કચ્છનાં ગેટવે સીટી રાજકોટ નજીકના દરિયાકિનારાથી 100 કિમી દૂર આવેલું છે. દરિયાકાંઠાવાળા વિસ્તારની તુલનાત્મક રીતે જોવા જઈએ તો પવનની ગતિ ઓછી હોય છે. મહાકાય બિલ્ડીંગોને કારણે પવનની ગતિ મંદ પડી જતી હોય છે. આ કારણોસર કોઈ હોર્ડિંગ પડી જવાના કે આવી કોઈ કુદરતી આફતની પરિસ્થિતિમાં હોર્ડિંગના કારણે કોઈ જાનહાની હજુ સુધી સર્જાયાના કોઈ અહેવાલ નથી.
રસપ્રદ તારણઃ રાજકોટ શહેરના વિવિધ સ્થળો પર ચારેય દિશાઓમાં લાગેલા હોર્ડિંગ્સનું મૂલ્યાંકન કરતા એક રસપ્રદ તારણ સામે આવ્યું છે. બિપોરજોય વાવાઝોડા બાદ અમુક તોસ્તાન અને મહાકાય હોર્ડિંગ સંપૂર્ણપણે ખાલી રાખવામાં આવ્યા છે. તેમજ બીજા અન્ય સ્થળો પર અડધા હોર્ડિંગ અને તેનું સ્ટ્રક્ચર એવી રીતે ઉભું કરવામાં આવ્યું છે કે, જેમાંથી હવાની અવરજવર થઇ શકે. તો ક્યાંક એક પેટી જેવા આકારના વર્ટિકલ સ્ટ્રક્ચર્ડ હોર્ડિંગ્સ અને કોન્ક્રીટ સ્ટ્રક્ચર પર બહુ ઓછી ઊંચાઈ પર લગાવવામાં આવ્યા હતા. આમ દુર્ઘટનાનું જોખમ ટાળવાનો શક્ય પ્રયાસ આ હોર્ડિંગ્સ સાઈટ્સ પર જોવા મળ્યો હતો.
ETV BHARAT રિયાલિટી ચેકઃ ભૌગોલિક રીતે દરિયાથી દૂર હોવાને કારણે તેમજ મહાકાય બિલ્ડીંગો ખડકાયા હોવાને કારણે દરિયાકાંઠેથી ઉઠતા પવનની ગતિ રાજકોટ શહેરમાં પહોંચતા પહોંચતા ચોક્કસ ક્યાંક મંદ પડી જાય છે. પણ સાથે સાથે મહાકાય બિલ્ડીંગો પર આવા જોખમી હોર્ડિંગ ન લગાવાની તકેદારી પણ રાખવામાં આવે છે. મુંબઈની ઘટનાને ધ્યાને લઈને તંત્ર પણ જ્યારે સતર્ક છે અને જરૂરી આદેશ આપી દેવાયા છે. ત્યારે ETV BHARAT રિયાલિટી ચેકમાં રાજકોટ શહેરમાં લાગેલા હોર્ડિંગ એટલા જોખમી સાબિત નથી, એ બાબત તો સ્પષ્ટપણે આંખે ઊડીને વળગે છે.