રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોના સભ્યોએ મુખ્યમંત્રી સાથે કરેલી મુલાકાત બાદ પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પીડિત પરિવારોને રાહુલ ગાંધી મળ્યા અને જરૂર પડ્યે યોગ્ય સમયે સાંસદમાં પણ મુદ્દો ઉઠાવશે તેવું કહેતા ભાજપ સરકારને પીડિત પરિવારોની યાદ આવી અને પીડિત પરિવારોને બોલાવી માત્ર આશ્વાસન આપી આવેદન સ્વીકાર્યુ હતું. મુખ્યમંત્રીને મળવા ગયા પછી અમને કોઈ સંતોષ થયો નથી.
12 મુદ્દાની માંગણીઃ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોએ જણાવ્યું હતું કે, અમારી 12 મુદ્દાની માગણી પૈકી એક પણ માગણી સંતોષવા ગેરેન્ટી આપી નથી. આગામી 1થી 15 ઓગસ્ટ દરમિયાન મોરબીથી અમદાવાદ સુધી ન્યાય માટે પદયાત્રા કરવામાં આવશે. જેમાં પીડિત પરિવારો સાથે દેશભરમાંથી નેતાઓને જોડવામાં આવશે.
રાહુલ ગાંધીની મુલાકાતની અસરઃ TRP ગેમઝોનમાં કામ કરતા અને અગ્નિકાંડમાં મૃત્ય પામેલ આશાબેન કાથડના ભાઈ કમલેશ કાથડે જણાવ્યું હતું કે, અમને મુખ્યમંત્રી આવાસ બોલાવ્યા હતા. તેનું મુખ્ય કારણ એ છે કે અગાઉ અમને રાહુલ ગાંધી મળ્યા હતા. એટલે જો અમારા પ્રત્યે સંવેદના હોત તો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અગ્નિકાંડ થયાના બીજા દિવસે રાજકોટ આવ્યા ત્યારે અમને પીડિત પરિવારોને મળવા તેઓ શા માટે આવ્યા ન હતા. પીડિત પરિવારોની વેદના જાણવી હોય તો સરકારે તેમના ઘરે જઈને મુલાકાત લેવી જોઈએ.
સીએમ સાથેની મુલાકાતઃ કોગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ વીડિયો કોન્ફોરન્સ માધ્યમથી પીડિત પરિવારો સાથે સંવાદ કર્યો, રૂબરૂ મુલાકાત કરી એટલે પછી પીડિત પરિવારોને મુખ્યમંત્રી આવાસ ખાતે બોલાવવામાં આવ્યા પણ તેમને સાંભળવામાં આવ્યા નથી અને તેમને બોલવા દેવામાં આવ્યા નથી. માત્ર તેમની મજાક બનાવવા માટે જ પીડિત પરિવારોને ત્યાં બોલાવ્યા હતા. પીડિત પરિવારોની માગ છે તે સંતોષવા માટે કોઈ ખાતરી આપવામાં આવી નથી. ગરીબ પીડિત પરિવારોની માત્ર મજાક બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર મુખ્યમંત્રી કે ગૃહમંત્રી પીડિતોને ન્યાય આપવા માગતા નથી તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.
ન્યાયયાત્રાઃ રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના પ્રમુખ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે, રાજકોટના જ પીડિત પરિવારો નહિ પરંતુ ગુજરાતમાં થયેલ તક્ષશિલાકાંડ, હરણી બોટકાંડ, મોરબી પુલ દુર્ઘટના અને રાજકોટ TRP અગ્નિકાંડ સહિત તમામ પીડિત પરિવારોને સાથે રાખી તેમના ન્યાય માટે આગામી 1થી 15 ઓગસ્ટ દરમિયાન મોરબીથી શરૂ કરી અમદાવાદ સુધીની ન્યાય પદયાત્રા યોજવામાં આવશે. આ ન્યાય યાત્રામાં દેશભરમાંથી નેતાઓ જોડાશે.