રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા ટીઆરપી અગ્નિકાંડ બાદ જે મિલકતોમાં ફાયર એનઓસી કે બીયુ પરમિશન ન હોય તેને સીલ કરવામાં આવી રહી છે. મિલકતો ધડાધડ સીલ થતા વેપારીઓ અને સંસ્થાઓમાં નારાજગી જોવા મળી છે. આથી આ તમામ રોષે ભરાયેલા લોકોના સમર્થનમાં કોંગ્રેસ અને આપ દ્વારા મહાનગરપાલિકા આગળ ઘેરાવ કરવામાં આવ્યો હતો.
મિલકતો કરી ધડાધડ સીલ: ટીઆરપી અગ્નિકાંડ બાદ જાણે તંત્ર સફાળું જાગ્યું હોય તેમ શાળા, કોલેજ, હોટલ, મોલ, ઓફિસ રહેણાંક મકાનો, દવાખાનાઓ જ્યાં પણ ફાયર એનઓસી ન હોય કે બી.યુ. પરમિશન ન હોય કે તેની મંજૂરી ન હોય તેવી મિલકતોને મહાનગરપાલિકા દ્વારા ધડાધડ સીલ કરવામાં આવી રહ્યા છે. જેને લઇ ઠેર ઠેર તેનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા થોડા દિવસ પહેલા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.
કોંગ્રેસ અને આપે કર્યો હલ્લાબોલ: આ મુદ્દે કોંગ્રેસ અને આપ સાથે મળીને મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, "જો ફાયર અને બીયુ પરમિશન મામલે મહાનગરપાલિકા બીજાની મિલકતો સીલ કરે છે તો મહાનગરપાલિકા પાસે જ ફાયરની પરમિશન નથી તો તેને પણ સીલ કરવી જોઈએ. નહીં તો જેમ મહાનગરપાલિકાને સમય મળ્યો છે તેમ વેપારીઓને પણ થોડો સમય આપવો જોઈએ જેથી તે લોકો બી.યુ. અને ફાયરની પરમિશન મેળવી શકે." આમ આપ અને કોંગ્રેસ દ્વારા કોર્પોરેશન ચોક ખાતે ચક્કાજામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભીડ વધતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આપના કાર્યકરોને ટીંગાટોળી કરવામાં આવી હતી ઉપરાંત તેમની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે 20 જેટલા આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.