રાજકોટ : હાલ સીંગતેલનો 15 કિલોનો ડબ્બો 2600 થી લઈને 2700 રુપિયા સુધીની સપાટી ઉપર છે. જ્યારે સીંગતેલનો ભાવ વધતા અન્ય ખાદ્ય તેલ જેવા કે કપાસિયા, પામોલીન, સોયાબીન સહિતના તેલના ભાવમાં પણ વધારો થયો છે. ખાદ્ય તેલના વેપારીઓ માની રહ્યા છે કે બજારમાં મગફળીનો ભાવ ઉચકાતા સીંગતેલના ભાવમાં વધારો થયો છે પરંતુ આગામી દિવસોમાં સીંગતેલના ભાવ વધે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી.
આગામી દિવસોમાં નહીં વધે સીંગતેલના ભાવ : રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી ખાદ્ય તેલની એજન્સી ધરાવતા ભાવેશ પોપટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ ચાર દિવસથી યાર્ડમાં મગફળીના 20 કિલોના ભાવમાં રૂપિયા 25 થી 50નો વધારો નોંધાયો છે. જેની અસર સીંગતેલ ઉપર પડી હતી અને સીંગતેલના ભાવમાં 15 કિલોના ડબ્બે રૂ.40 થી 50નો ભાવ વધારો થયો છે. જે સિંગતેલના ભાવ વધારાનું મુખ્ય કારણ છે. જ્યારે દિવાળી પછી ડિસેમ્બર મહિનામાં સિંગતેલના 10 કિલોનો ભાવ ₹1,600ની આસપાસ જોવા મળતો હતો. જે છેલ્લા એક અઠવાડિયામાં 1400 થઈ ગયો હતો. જેને લઇને આગાઉ સીંગતેલના ડબ્બામાં 300નો ભાવ ઘટાડો સર્જાયો હતો.
મગફળીના ભાવ વધતા તેલના ભાવમાં થયો વધારો : તેલના વેપારીએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉ સીંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. જેના ભાગરૂપે હવે સીંગતેલના ભાવમાં 40 થી 50નો ભાવ વધારો હાલ નોંધાયો છે. જ્યારે આગામી સમયમાં સીંગતેલના ભાવમાં ખૂબ લાંબી તેજી જોવા મળે તેવી કોઈપણ શક્યતાઓ હાલ દેખાતી નથી. કારણકે સીંગતેલની સાથે બીજા બધા ખાદ્યતેલના ભાવ પણ હાલ રૂ.1500ની સપાટી ઉપર જોવા મળી રહ્યા છે. જેની સામે સિંગતેલનો 15 કિલોનો ડબ્બો રૂ.2600 થી 2700ની આસપાસ બજારમાં વહેંચાઈ રહ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં સીંગતેલના ભાવમાં વધારો થાય તેવી કોઈ શક્યતા નથી. જ્યારે હાલમાં સીંગતેલના ભાવ નીચા હોવા છતાં પણ બીજા દેશોમાં સીંગતેલની માંગ જોઈએ એટલા પ્રમાણમાં નથી.
વિદેશમાં પણ સીંગતેલની માંગ ઘટી : ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 10 ટકા વધારે થયું છે. તેમજ સરકાર પાસે અને ખેડૂતો પાસે પણ મગફળીનો સ્ટોક મોટા પ્રમાણમાં પડ્યો છે. આ બધા કારણો જોતા સિંગતેલના ભાવમાં આગામી દિવસોમાં કોઈ લાંબી તેજી જોવા મળે તે તેવી કોઈપણ પ્રકારની શક્યતાઓ નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસમાં સીંગતેલનો ભાવ ₹50 નો વધારો થયો છે જ્યારે હાલમાં સીંગતેલનો ડબ્બો રૂપિયા 2600થી લઈને 2700 સુધીનો વેચાઈ રહ્યો છે. એવામાં તેની વેપારીઓ માને છે કે આગામી દિવસોમાં સીંગતેલના ભાવમાં કોઈપણ વધારો થવાની શક્યતાઓ હાલ નથી.