રાજકોટ: મહાનગરપાલિકાનાં પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનાં નિવાસસ્થાને મ્યુનિસિપલ કમિશનરનાં આદેશથી વિજિલન્સ શાખા દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં તેમના ઘરે કેટલાક કર્મચારીઓ દ્વારા ફાઈલો પહોંચાડવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. તેમજ વિજિલન્સની ટીમે તપાસ કરતા ઓફિસ ફાઈલો સહિતની વસ્તુઓ મળી આવી હતી. અલ્પના મિત્રાએ આ ફાઈલો પોતાના ઘરે કેવી રીતે આવી તેના વિશે અજાણ હોવાનું કહ્યું હતું.
પૂૂર્વ સિટી એન્જિનિયરના ઘરેથી ફાઇલો મળી: સમગ્ર મામલે મ્યુ. કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતું કે, અલ્પના મિત્રાનાં કાલાવડ રોડ સ્થિત ઘરમાંથી કુલ 40 જેટલી ફાઈલો અને 45થી વધુ બિલ રજિસ્ટર તેમજ અમુક મેજરમેન્ટ બુક્સ એટલે કે MB મળી આવી છે. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ જવાબદારો સામે પગલાં લેવામાં આવશે.જે પણ કોઈ દોષિત હશે તેના વિરુધ કાર્યવાહી કરવામાં આવશે કમિશ્નર દેવાંગ દેસાઈનાં જણાવ્યા મુજબ ગઈકાલે પૂર્વ સિટી ઈજનેર અલ્પના મિત્રાનાં ઘરે જે ફાઈલો મળી હતી. તેમની પ્રાથમિક તપાસમાં એન્જિનિયરિંગને લગતી ફાઈલો ત્યાં હોવાનું જાણવા મળ્યું હતું.
વિજિલિન્સ શાખા દ્વારા ઉંડી તપાસ કરાશે: પ્રાથમિક માહિતી મુજબ તેમના કાર્યકાળમાં બિલ પ્રોસેસ કરવામાં કોઈ જગ્યાએ સહી બાકી રહી ગઈ હોય તેવી ફાઈલો અને બિલ રજિસ્ટર હોવાની જાણકારી મળી છે. જોકે, અમારી વિજિલન્સ શાખા દ્વારા આ અંગેની ઊંડી તપાસ કરવામાં આવશે. તેમજ રાજીનામું મંજૂર થયા બાદ નિયમ મુજબ આવી સહી કરી શકાય કે નહીં? તે અંગે પણ તપાસ કરવામાં આવશે.
પૂર્વ સિટી એન્જિનિયરને ઇન્ચાર્જ ઓફિસરે કર્યો કોલ: પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાએ જણાવ્યું હતું કે, હકીકત એવી છે કે, હું છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ શાખામાં કામ કરતી હતી. જેમાં ઘણા પંપિંગ સ્ટેશનો અને પ્લાન્ટ હોય છે. ત્યારે તેનું ઓપરેશન-મેન્ટેનન્સ સંભાળતા ઇન્ચાર્જ ઓફિસર મને ત્રણેક દિવસથી કોલ કરતા હતા અને કહેતા હતા કે, જે કામગીરી થઈ છે. તેને તમે સર્ટિફાઇડ કરી આપો તો આગળની કામગીરી કરી શકાય. જોકે, મેં તેમને રિટાયર્ડ હોવાનું જણાવ્યું હતું. છતાં તેમનું કહેવું હતું કે, તમારા કાર્યકાળમાં થયેલી કામગીરી સર્ટિફાઇડ કરવાની બાકી છે. જેને લઈને મેં જણાવ્યું તેમને કહ્યું કે, સર્ટિફાઇડ કરતા પહેલા મારે બધું જોવું અને સમજવું પડે. તેમ કહ્યું હતું.