રાજકોટ : રાજકોટમાં અંદાજે 3250 અધિકારી અને જવાનો સાથે ચકલું પણ ન ફરકે તેવો લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અભેદ બંદોબસ્ત ગોઠવાયો છે. આવતીકાલ 7 મેના રોજ દરેક નાગરીક શાંતિપૂર્ણ માહોલમાં નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે રાજકોટ પોલીસ મતદાન બુથને પોલીસ છાવણીમાં ફેરવશે.
ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત : લોકસભા ચૂંટણીના મતદાનને લઈને રાજકોટમાં 1 ADG,1 DIG, 4 SP, 8 DySP, 26 PI, 65 PSI, 1222 પોલીસ જવાન, 1374 હોમગાર્ડ જવાન અને CRPFની 4 કંપની દ્વારા રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવાશે. સુરક્ષા જવાનો 500 બિલ્ડીંગ-1200 મતદાન મથકનો કબજો સંભાળી લેશે. આવા લોખંડી જાપ્તા વચ્ચે આજે રાજકોટ શહેરની મધ્યે આવેલી વિરાણી હાઈસ્કૂલ ખાતે ચૂંટણી કર્મચારીઓ ફરજ પર હાજર થયા અને શરૂ થઈ ચૂંટણી પૂર્વેની પ્રક્રિયા...
સુચારુ આયોજન : ચૂંટણી પ્રક્રિયામાં તૈનાત 1800 થી વધુ કર્મચારીઓને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવાની લોજિસ્ટિક્સ વ્યવસ્થા, એર-કન્ડિશન્ડ બસો, છાશ અને ORS વિતરણ કેન્દ્ર, ચા-નાસ્તા અને ભોજન વગેરેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાજકોટ વહીવટી તંત્ર આ બધું ખડે-પગે કરી રહ્યું છે, માત્ર અને માત્ર લોકશાહીના પર્વને સુખરૂપ રીતે પાર પાડવા અને ગત વર્ષની સરખામણીએ વધુ મતદાન થાય એ હેતુથી. રાજકોટ કલેક્ટર સરકારી તંત્ર સહિત વિરાણી હાઈસ્કૂલ વહીવટી તંત્ર EVM, ચૂંટણી સામગ્રી અને સંલગ્ન સાહિત્ય સામગ્રીની સોંપણી સમયે ખડે-પગે નિરીક્ષણ કરતા અને વ્યવસ્થા પર પોતાની નજર જમાવતા જોવા મળ્યા હતા.
ચૂંટણી પ્રક્રિયા શરૂ : ગરમીની પરિસ્થિતિને ધ્યાને લઈને આ વખતે રાજકોટ કલેક્ટર તંત્રએ ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને સવારે વહેલા 6 વાગ્યાથી વિરાણી સ્કૂલ ખાતે બોલાવી લીધા હતા. ત્યારબાદ ચૂંટણી પૂર્વેની જરૂરી સરકારી પ્રક્રિયાનો આરંભ કરી દીધો હતો. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. વિરાણી સ્કૂલ પર હાજર રહેલા મીડિયા કર્મીઓ સાથે કલેક્ટર, સરકારી તંત્રના અધિકારીઓ તેમજ ચૂંટણી ફરજ પરના કર્મચારીઓએ ઉત્સાહભેર વાતચીત પણ કરી હતી.
મહત્તમ મતદાનનું લક્ષ્ય : ચૂંટણી પૂર્વે સ્થળ પર તમામ આયોજન અને વ્યવસ્થા નિહાળ્યા બાદ એક વાત તો ચોક્કસ કહી શકાય કે રાજકોટનું સરકારી તંત્ર છે મક્કમ, ચૂંટણીમાં મતદાન વધારવા માટે અડીખમ. હવે આવતીકાલે જ્યારે EVMમાં બટન દબાશે ત્યારબાદ સાંજે કયા નેતા અને કયા પક્ષનું ભાવિ EVMમાં સીલ થશે. તેમાંથી કમળ ખીલશે કે પંજો એ ખીલતા કમળને દાબી દેશે, એ તો 4 જૂનના રોજ જાહેર થનાર પરિણામ બાદ જ ખબર પડશે.