રાજકોટ: રાજકોટ પોલીસ દ્વારા 3 કરોડની છેતરપિંડીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપી પતિ-પત્નીને કર્ણાટક ખાતેથી ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં આ આરોપીઓએ શેરમાર્કેટમાં ઊંચુ રોકાણ કરાવી વધુ વળતર મળશે તેવી લોભામણી લાલચ આપી 100 થી વધુ લોકો પાસેથી 3 કરોડ રૂપિયાની છેતરપીડી કરી હોવાનું સામે આવ્યું છે.
103 લોકોને ભણાવી દીધા ઊઠાંઃ બનાવની મળતી વિગત મુજબ રાજકોટ પશ્ચિમના એસીપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2023માં રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ચીટિંગની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા આરોપીઓને કર્ણાટક રાજ્યના હુબલી ખાતેથી ગાંધીગ્રામ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડી ઝડપી પાડ્યા છે. આ બન્ને આરોપીઓ રાહુલ રણજીભાઇ સોની અને તેની પત્ની અદીતી રાહુલ સોની દ્વારા શેરમાર્કેટામાં એન્જલ વનના નામે રોકાણ કરી 22 ટકા જેટલુ રિફંડ મળે તેવી લોભાણી લાલચ આપી જુદા જુદા 103 જેટલા લોકોના સાથે રૂપિયા 3 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી.
આવી રીતે લોકોને પહેરાવતા ટોપીઃ આ દંપતી લોકોને ટોપી પહેરાવવા માટે પોતે એક આગવી ટ્રીક અખ્ત્યાર કરતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તેઓ પહેલા વિશ્વાસ કેળવવા માટે લોકોને રેગ્યુલર ત્રણ ચાર મહિના સુધી દર 15 દિવસે વળતર આપી દેતા હતા. જેના કારણે આગળ આ અન્ય લોકો સાથે વધુ રકમ મેળવી શકે અને વધુ લોકોને પોતાની ઝાળમાં ફસાવી શકે. લોકોમાં દર 15 દિવસના રિટર્ન મળવાનો વિશ્વાસ પેદા થવા સાથે સાથે લાલચ પણ ઊભી થતી. જેનો આ દંપતી ફાયદો ઉઠાવતું અને કહેવાય છેને કે લોભીયા હોય ત્યાં ધૂંતારાને ભુખ્યા મરવું પડે નહીં. આ મામલે પ્રથમ 53 લોકોએ સાથે મળી ફરિયાદ કરી હતી. આ પછી આજદિન સુધી 103 લોકોએ રૂપિયા ગુમાવ્યાનું સામે આવ્યું છે. જેની પાસેથી કુલ 3 કરોડ 29 હજાર પડાવ્યાનું સામે આવ્યું છે. આ રકમ હજુ વધી શકે તેમ છે માટે જ્યારે કોઈ લોકો આવી છેતરપિંડીનો ભોગ બન્યા હોય તો ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.