રાજકોટ: ઉપલેટા તાલુકાના ગણોદ-તણસવા રોડ પર આવેલ ખાનગી ઔદ્યોગિક વિસ્તારોમાં સંભવિત કોલેરાના કેસો સામે આવતા રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રભવ જોશી દ્વારા ઉપલેટા તાલુકાના ગણોદ તણસવા ગામ રોડ પર આવેલ સંસ્કાર પોલીમર્સ, અર્ચન પોલીમર્સ, આશ્રય પોલીમર્સ વગેરે ખાનગી ઔદ્યોગિક વિસ્તારો અને તેની આજુબાજુના 10 કી.મીના વિસ્તાર પર તા. 22 ઓગસ્ટ 2024 સુધી પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં આ બાબતમાં રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મામલતદાર ઉપલેટાની કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
કારખાનેદારોએ પીવાલાયક પાણી વાપરવાનું રહેશે: આ આદેશો મુજબ બરફના કારખાનેદારોએ બરફ બનાવવા માટે પીવાલાયક પાણી જ વાપરવાનું રહેશે તેમજ ખાદ્ય પદાર્થ બનાવવા કે, ઠંડા પીણા માટે બરફનો સીધો ઉપયોગ કરવા પર, પાણી મેળવવા માટે નળ કનેક્શનના સ્થળે ખાડા ખોદી પાણી મેળવવામાં દૂષિત પાણીની શક્યતા હોવાથી ખાડા ખોદી પાણી મેળવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરના તમામ મકાનોમાં આવેલ ઓવરહેડ અને અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી સાફ કરાવવા અને પીવાના પાણીને કલોરિનેશન બાદ જ ઉપયોગમાં લેવાના રહેશે તેવું જણાવ્યું છે.
વાસી ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરવા પર મનાઇ: રાજકોટના ઉપલેટામાં બનેલ બનાવ બાદ હાલ ખાદ્ય પદાર્થના વેપારીઓએ ફરસાણ, મીઠાઈ, ગોળ, ખજૂર તથા અન્ય કોઈ ખાદ્ય પદાર્થો ખુલ્લા રાખવા, શાકભાજી ફળફળાદીના ધંધાર્થીઓએ તેને કાપીને ખુલ્લા રાખવા તેમજ આવી વસ્તુઓનું ટુકડા કરીને વેચાણ કરવા પર, બરફ ગોલા તથા ગુલ્ફીમાં માવાના વેચાણ પર, વાસી ખોરાક ઉપયોગમાં લેવા પર મનાઈ ફરમાવી છે.
આદેશોનું ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર: શહેરના તમામ ખાણીપીણીના સ્થળો, હોટલ,રેસ્ટોરન્ટ, મીઠાઈ,-ફરસાણની દુકાન,ભોજનાલયો વગેરેમા સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવા તેમજ ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે ઢાંકવા કાચની પેનલ લગાવી અથવા માખી ન પ્રવેશી શકે તેટલી બારીક વાયરનેટ લગાવી ઢાંકી રાખવા અને પેપર ડીશમાં જ ખોરાક પીરસવા અને શેરડીનો રસ, બરફના ગોલાનું વેચાણ ડિસ્પોઝિબલ ગ્લાસમાં જ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ આદેશોનું ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે તેવું પણ જણાવ્યું છે.