રાજકોટ : જાણીતા ગઝલકાર પંકજ ઉધાસનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. એવામાં બોલીવુડ સ્ટાર સહિતના લોકો તેમના કાર્યને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં રહેતા સુપ્રસિદ્ધ ગાયક ઓસમાણ મીર દ્વારા પણ પંકજ ઉધાસને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જ્યારે ગાયક કલાકાર ઓસમાણ મીર છેલ્લા 15 વર્ષ કરતા વધારે સમયથી પંકજ ઉધાસના સત્તત સંપર્કમાં હતાં અને તેમની સાથે પારિવારિક સંબધો તેમના રહ્યા છે. ત્યારે પંકજ ઉધાસ દ્વારા નવોદિત કલાકારો માટે કરવામાં આવેલ કાર્યોને યાદ કર્યા હતા.
નવોદિત કલાકારોને પ્લેટફોર્મ આપવાનું કાર્ય કરતા : જ્યારે ઓસમાણ મીરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખરેખર પંકજ ઉધાસનું નિધન એ સમગ્ર ભારત વર્ષ માટે બહુ મોટી ખોટ છે. તેઓ જેટલા ઉમદા ગાયક હતા તેટલું જ ઉમદા તેમનું વ્યક્તિત્વ હતું. હું મારી વાત કરું તો તેમને મને જીવનમાં ખૂબ જ સપોર્ટ કર્યો છે. તેમજ હું એ વાતનો પણ સાક્ષી છું કે તેમને પોતાના જીવનમાં ઘણા બધા સેવા કાર્યો કર્યા છે. તેઓ દર વર્ષે ખજાના નામનો ફેસ્ટિવલ યોજતા હતા. તેમજ આ ફેસ્ટિવલ થકી જે પૈસા આવે તે પંકજ ઉધાસ કેન્સરપીડિત દર્દીઓ માટે વાપરતા હતાં. આવા અનેક સેવાકીય કર્યો પંકજ ઉધાસ દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે આવા વ્યક્તિ અત્યારે મળવા ખૂબ જ મુશ્કેલ છે.
ગઝલના પ્રથમ આલ્બમ લોન્ચિંગ આવ્યા હતાં : ઓસમાણ મીરે વધુમાં જણાવ્યું હતું કે નવા નવા કલાકારોને તેઓએ પ્લેટફોર્મ આપવા માટે ખજાના નામનો ફેસ્ટિવલ શરૂ કર્યો હતો. જેમાં અમારા જેવા ઘણાં કલાકારો પર્ફોર્મ કરીને આજે ખૂબ આગળ વધ્યા છે. ત્યારે તેઓ તો ઉમદા ગાયક કલાકાર હતા જ પરંતુ નવોદિત કલાકારો માટે પણ સત્તત વિચારતા હતાં. જ્યારે હું લગભગ છેલ્લા 15 વર્ષ કરતા વધુ સમયથી પંકજ ઉધાસ સાથે જોડાયેલો છું. મારું પ્રથમ ગઝલનું આલ્બમ જ્યારે લોન્ચ કરવાનું હતું અને મે તેમને વાત કરી હતી ત્યારે તેઓ આ કાર્યક્રમમાં આવ્યા હતાં. ત્યારથી લઈને અત્યાર સુધીમાં મે એમની સાથે ઘણા બધા કાર્યક્રમમાં ભાગ લીધો છે અને સ્ટેજ શેર કર્યા છે. તેમની સાથે એક પરિવારના સભ્ય જેવો નાતો રહ્યો છે. તેમજ હું જ્યારે પણ તેમની પાસે જાવ ત્યારે તેઓ મને ખૂબ રાખતા અને મારી ગાયકીના વખાણ કરતા હતાં.