સુરત : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી પહેલા ચાર દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેઓ ભારત જોડો ન્યાય યાત્રા લઈને ગુજરાત આવશે અને ગુજરાતના 400 કિલોમીટર રેન્જમાં આ યાત્રા લઇને ફરશે. જેમાંથી સુરત અને તાપી જિલ્લાના 176 કિલોમીટર વિસ્તાર તેઓ આવરી લેશે. આ વિસ્તાર એ માટે લોકસભા ચૂંટણી પહેલાં મહત્વપૂર્ણ છે કારણ કે આ સંપૂર્ણ વિસ્તાર ટ્રાઇબલ બેલ્ટ તરીકે ઓળખાય છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પરંપરાતો મતો એટલે આદિવાસી મતો આ ટ્રાયબલ બેલ્ટ પર કોંગ્રેસની જગ્યાએ ભાજપને મળ્યા હતાં. આ યાત્રા દરમિયાન તેઓ ડેમેજ કંટ્રોલ કરવાની સ્થિતિમાં જોવા મળશે.
રાહુલની રણનીતિ પર નજર : રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા લોકસભા ચૂંટણી પહેલા ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. જ્યારે વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રદાન અમિત શાહના રાજ્યની હોય અને ત્યાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ચાર દિવસ રોકાવાના હોય, ત્યારે રાજકીય હલચલ ચોક્કસથી વધારે જોવા મળશે રાહુલ ગાંધી આગમન પહેલા ભાજપે જે નીતિ અપનાવી છે તેમના આજે કેટલાક વરિષ્ઠ નેતાઓને પોતાના પાર્ટીમાં સ્થાન આપ્યા છે ત્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં યાત્રા દરમિયાન કઈ રણનીતિ સાથે આવશે તેની ઉપર સૌની નજર છે. ખાસ કરીને જ્યારે તેમની યાત્રામાં સુરત અને તાપી જિલ્લાનો સમાવેશ થાય ત્યારે ચોક્કસથી આદિવાસી મતો પોતાની તરફ આકર્ષવા માટે તેઓનો પ્રયાસ રહેશે.
તાપી અને સુરત જિલ્લામાં આદિવાસી સમાજના લોકો કેટલા ? : રાહુલ ગાંધીની ભારત જોડે યાત્રા સુરત અને તાપી જિલ્લાના જે વિસ્તારથી પસાર થનાર છે તે ટ્રાઇબલ બેલ્ટ તરીકે ઓળખાય છે. બંને જિલ્લાઓમાં આ ટ્રાયબલ બેલ્ટ પર વર્ષોથી કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. તાપી જિલ્લામાં 7 લાખ જ્યારે સુરત જિલ્લામાં 9.15 લાખ આદિવાસી સમાજના લોકો રહે છે. રાહુલ ગાંધી આજ વિસ્તારમાં પોતાની યાત્રા કાઢવા જઈ રહ્યા છે. પોતાની યાત્રા દરમિયાન તેઓ આદિવાસી સમાજના લોકો સાથે રૂબરૂ થશે અને અનેક નેતાઓને પણ મળશે. હાલ જે સ્થિતિ ગુજરાતમાં કોંગ્રેસની જોવા મળી રહી છે આવી પરિસ્થિતિમાં લોકોને મળી તેઓ ફરીથી કોંગ્રેસ પર વિશ્વાસ કરવા માટે અપીલ કરતાં જોવા મળશે. ટ્રાઇબલ બેલ્ટ પર ફરી એક વખત પોતાના પરંપરાગત મતદાતાઓને કોંગ્રેસ તરફ લાવવા માટે તેઓ સંપૂર્ણ પ્રયાસ કરતા જોવા મળશે.
આઝાદી પછી જ્યાં કોંગ્રેસ જીતી હતી ત્યાં પ્રથમ હાર : સુરત જિલ્લાના માંડવી વિધાનસભા ક્ષેત્રમાં આઝાદી પછીથી હંમેશા કોંગ્રેસ વિજયી થતી હતી. આ આદિવાસી મતવિસ્તાર તરીકે ઓળખાય છે, પરંતુ પ્રથમ વાર માંડવીમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી. માંડવી એવો વિસ્તાર છે જ્યાં દરેક લોકસભા ચૂંટણી દરમિયાન પોતે ઇન્દિરા ગાંધી થી લઈ રાહુલ ગાંધી સુધી પ્રચાર માટે આવ્યા હતા. કોંગ્રેસની હાર માંડવી વિધાનસભા બેઠક થી થતા કોંગ્રેસમાં પણ ચિંતા છે. એટલું જ નહીં, જ્યારે તાપી જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં બે વિધાનસભા બેઠક છે. વર્ષ 2019 માં આ બંને બેઠકો કોંગ્રેસના ફાળે હતી, પરંતુ તેનાથી વિપરીત વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીમાં આ બંને બેઠકો ભાજપના ફાળે આવી હતી. આ હારની અસર લોકસભા ચૂંટણી પર ન જોવા મળે તે માટે ડેમેજ કંટ્રોલ કરવા માટે પોતે રાહુલ ગાંધી આ ટ્રાયબલ બેલ્ટ પર ઉતરી રહ્યા છે.
સુરત અને તાપી જિલ્લામાં 176 કિલોમીટર યાત્રા : 9 માર્ચના રોજ રાહુલ ગાંધી 2:30 વાગે નેત્રંગ ભરૂચ થી યાત્રા શરૂ કરશે અને ઝંખવાવ સુધી યાત્રા કરશે અને ત્યાર પછી ઝંખવાવ ખાતે કોર્નર મીટીંગ કરશે.ત્યારબાદ તેઓ માલદા ફાટા ચાર રસ્તા ખાતે પહોંચશે. 10 મી માર્ચના રોજ 8 વાગે તેઓ માંડવી ખાતેથી યાત્રા શરૂ કરશે માંડવી બસ સ્ટેન્ડ ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. સવારે 11 વાગ્યે તેઓ ઐતિહાસિક સ્વરાજ આશ્રમ બારડોલીની મુલાકાત લેશે. બારડોલી ખાતે યાત્રાનું સ્વાગત કરાશે ત્યારબાદ તેઓ બાજીપુરાથી વ્યારા જશે જ્યાં લીમડા ચોક કોર્નર મીટીંગ પણ કરશે. વ્યારા ખાતે બિરસા મુંડા પ્રતિમાની બાજુ તેમનું સ્વાગત કરાશે અને પદયાત્રા મિશન નાકા સુધી જશે. સાથે તેઓ જુના બસ સ્ટેન્ડ કોર્નર ખાતે મીટીંગ કરશે. ભોજન કર્યા પછી તેઓ વ્યારાથી નીકળશે.અઢી વાગ્યે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે સોનગઢ ખાતે યાત્રાનું સ્વાગત કરાશે. સોનગઢના બસ સ્ટેન્ડ પોલીસ સ્ટેશન પાસે કોર્નર મીટીંગ કરશે અને ત્યારબાદ ધ્વજ હસ્તાંતરણ સમારોહ યોજાશે અને તેઓ મહારાષ્ટ્ર બોર્ડરમાં એન્ટ્રી કરશે. સુરતથી તાપી સુધી તેઓ કુલ 176 કિલોમીટરની યાત્રા કરશે, જેમાં ત્રણ કોર્નર મીટીંગમાં શામેલ થશે.
સાંસદના ગામમાં રાત્રિ રોકાણ : બારડોલીના સાંસદ અને આદિવાસી નેતા તરીકે પોતાની ઓળખ બનાવનાર પ્રભુ વસાવાના ગામ કઠવાવ ખાતે તેઓ રાત્રિ રોકાણ કરવા જઈ રહ્યા છે. પ્રભુ વસાવા છેલ્લા ત્રણ ટર્મથી ભાજપ તરફથી જીતતા આવ્યા છે. તેમના ગામ કઠવાવ ખાતે હેલીપેડ બનાવવામાં આવશે અને ખુલ્લી જગ્યામાં ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવશે, જ્યાં રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓ રાત્રિ રોકાણ કરશે.
ઝંખવાવ મહત્વપૂર્ણ : ઝંખવાવ વિસ્તારમાં તેઓ ફરી એક વખત આવી રહ્યા છે. આ વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં 60 ટકા આદિવાસી સમાજના લોકો સહિત અન્ય લોકો રહે છે. જ્યારે 30 ટકા લઘુમતી સમાજના લોકો રહે છે. અગાઉ વિધાનસભા ચૂંટણી સમયે રાહુલ ગાંધી સુરત જિલ્લાના મહુવા તાલુકામાં સભા કરી ચૂક્યા છે.