સુરત: આગામી તારીખ 9 તારીખે શનિવારના રોજ બપોરે ત્રણ કલાકે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા સાથે ઝંખવાવ ગામેથી પસાર થનાર છે. જેથી કોંગ્રેસના કેન્દ્રીય નેતા મુકુલ વાસનિકે કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાના સ્વાગત પોઈન્ટનું નિરીક્ષણ કર્યું હતું તેમજ યાત્રાને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓ પાસે માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું હતું.
યાત્રાના રૂટના નિરીક્ષણ માટે કોંગ્રેસના કેન્દ્રીય નેતા અને સંસદ સભ્ય મુકુલ વાસનીક ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ કબીર પીરજાદા, દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ઉષા નાયડુ, ગૌરાંગ પંડ્યા, વલસાડના પૂર્વ સંસદ સભ્ય કિશન પટેલ મનહર પટેલ વગેરે નેતાઓ ઝંખવાવ ખાતે આવી પહોંચ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી તરુણ વાઘેલા, સુરત જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શાહબુદ્દીન મલેક તેમજ સ્થાનિક કોંગ્રેસના આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતું.
સુરત જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શાહબુદીન મલેકે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સુરત જિલ્લામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવી રહી છે. જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસના કેન્દ્રીય નેતા અને સંસદ સભ્ય મુકુલ વાસનીક ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ કબીર પીરજાદા, દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ઉષા નાયડુ સહિતના નેતાઓ એ આજે રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તમામ આયોજનની જાણકારીઓ આપવામાં આવી છે. 5000 જેટલા લોકો ભેગા થાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે બપોરે ગુજરાતમાં દાહોદ ખાતે પ્રવેશ કરશે.