બનાસકાંઠા: બનાસકાંઠાના સરહદી અને ભારત પાકિસ્તાનની બોર્ડર પર આવેલા વાવ તાલુકાનું છેવાળું ગામ રાધાનેસડા જ્યાં દર વર્ષે શિયાળુ સીઝન માટે કેનાલનું પાણી પહોંચતું નથી અને કેટલાય ખેડૂતોના ખેતર પિયત કર્યા વગર કોરા ધાકોર રહી જાય છે. જ્યાં આજે ગામના ખેડૂતો કેનાલ પર ભેગા થઈ ઢોલ વગાડી વિરુદ્ધ દર્શાવ્યો હતો. જો કે પિયતના પાણી માટે કેટલી વાર રજૂઆતો કરવા છતાં નર્મદાના તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. જો કે ખેડૂતોએ જણાવ્યું હતું કે,'જો પાણી નહીં આવે, તો આગામી સમયમાં ભૂખ હડતાલ પર ઉતરશો તેવી ચીમકી ઉચારી હતી.'
તંત્રની ઢીલી નીતિથી ખેડૂતો પરેશાન: બનાસકાંઠાના સરહદી પંથકમાં શિયાળુ સીઝન ચાલુ થઈ ગઈ છે. શિયાળુ સીઝનમાં નર્મદા નિગમ દ્વારા પિયત માટે કેનાલ મારફતે વાવ થરાદ સુઈગામ ભાભર પંથકમાં પાણી પહોંચાડવામાં આવે છે, જ્યારે વાત કરવામાં આવે તો વાવ તાલુકાના રાધાનેસડા ગામના ખેડૂતોને રવિ સીઝનનો એક મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં હજુ સુધી કેનાલમાં પાણી પહોંચ્યું નથી. જોકે તંત્રની ઢીલી નીતિથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.
શિયાળુ સીઝન દરમિયાન ખેડૂતો પાણી વિહોણા: દર વર્ષે ખેડૂતોને પિયતનું રેગ્યુલર પાણી મળતું નથી, જ્યારે ખેડૂતોએ આજરોજ કેનાલમાં આગ લગાવી ઢોલ વગાડી તંત્ર સામે વિરુદ્ધ દર્શાવ્યો હતો. જો કે ખેડૂતોએ જણાવ્યું હતું કે,'રવિ સીઝનનો એક મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં હજુ અમારા ગામ સુધી કેનાલનું પાણી પહોંચ્યું નથી. અમને પાણી મળશે તેની આશાએ ખેડ ખાતર અને બિયારણોમાં લાખો રૂપિયાના ખર્ચા કરી નાખ્યા. તો પણ હજુ સુધી કેનાલમાં પાણી પહોંચ્યું નથી. જો કે અમે કેનાલના પાણી માટે રાત દિવસ રાહ જોઈએ છીએ. પરંતુ પાણી ન પહોંચતા અમે હવે પરેશાન થઈ ગયા છીએ.
વિધાનસભાની પેટા ચૂંટણી તો પુરી થઈ પરંતુ ખેડૂતોની કેનાલમાં પાણીની માંગ હજુ પણ અધ્ધરતાલ જ છે. વાવના રાધાનેસડા ગામના ખેડૂતોને કેનાલમાં પાણી લાવવા માટે હવે ઢોલ વગાડવાની ફરજ પડી છે, કારણ કે કેનાલમાં પાણી છોડવાની માંગ કરી થાકી ચૂકેલા ખેડૂતોએ આખરે તંત્રથી કંટાળીને તંત્રને જગાડવા કેનાલમાં જ એકત્ર થઈ ઢોલ વગાડીને પોતાનો અનોખો વિરોધ નોંધાવ્યો છે.
તાજેતરમાં જ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્ણ થઈ છે. જેમાં મંત્રી સહિત નેતાઓએ ગામે ગામ ફરીને ગામના દરેક વ્યક્તિની દરેક સમસ્યાઓ પૂર્ણ કરવા માટેની વાયદા બજાર ખોલી હતી, પરંતુ ખેડૂતોના પાણીના પ્રશ્નો તો આજેય ઉકેલાયા નથી. પાણી માટે ખેડૂતો આજેય વલખા મારી રહ્યા છે. એક તરફ રવિ પાકની વાવણી માટે મોંઘા ભાવના બિયારણ લાવી ખેડૂતોએ વાવણી તો કરી છે પરંતુ હવે કેનાલો ખાલી હોવાથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે અને ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે તેવી પરિસ્થિતિ હાલ તો નિર્માણ પામી છે.
જો કે આ બાબતે ઈટીવી ભારત દ્વારા નર્મદા નિગમના અધિકારી દેવચંદ ચૌહાણનો ટેલીફોનિક સંપર્ક કર્યો હતો. પણ અધિકારીએ ફોન ઉપાડ્યો ન હતો. એક બાજુ ખેડૂતોને પાણીનું પ્રશ્ન જ્યારે બીજી બાજુ અધિકારીને પણ ફોન ઉપાડવાનો ટાઈમ ના મળતા ખેડૂતોને હવે ક્યાં જવું તેવો પ્રશ્ન બન્યો છે.
આ પણ વાંચો: