અમરેલી: જિલ્લાના આંગણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અમરેલી એરપોર્ટ પર આગમન થયું હતું. ત્યારે અમરેલી સાંસદ ભરત સુતરીયા, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, ધારાસભ્ય મહેશ કસવાલા સહિતના અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અમરેલીમાં આગમન: અમરેલીથી મોટર માર્ગે મુખ્યમંત્રી સાવરકુંડલા પહોંચ્યા હતા. જ્યાં સાવરકુંડલાના અમૃતવેલ ખાતે જીજ્ઞેશ દાદાની કથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. કથામાં હાજરી આપ્યા બાદ સાવરકુંડલા ખાતે રિવરફ્રન્ટનું ખાત મૂહુર્ત મુખ્યમંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ 122 કરોડના કામોનું મુહૂર્ત કર્યુ: નાવલી રિવરફ્રન્ટ અને ભૂગર્ભ ગટર યોજના 2 નું 122 કરોડના વિકાસના કામોનું ખાતમુહુર્ત કર્યા બાદ સાવરકુંડલાના હાથસણી ખાતે આવેલા માનવ મંદિરની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. ત્યાં પરમ પૂજ્ય ભક્તિબાપુના આશીર્વચન મેળવ્યા હતા. ત્યાંથી સંત ઉષામૈયાના આશીર્વાદ મેળવીને સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂતોના હામી ભગવાન બાપા કસવાળાના સ્ટેચ્યુનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનાવરણ કર્યું હતું.
જનસભામાં પુરુષોત્તમ રુપાલાનો અનોખો અંદાજ: સાવરકુંડલામાં મુખ્યમંત્રીની જનસભામાં પુરુષોત્તમ રૂપાલા ખીલી ઉઠ્યા હતા. ત્યાં તેમનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. તેમને પોતાના ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન ખેડૂતોના નામ ચડાવવા મુદ્દે રમુજી વાતો કરી હતી. ખેડૂતોના દીકરાઓના નામ ચડાવવા મુદ્દે સરકારી કચેરીમાં ભષ્ટ્રાચાર થતો હોવાની વાત રુપાલાએ પોતાના રમુજી સ્વભાવમાં કરી હતી. ખેડૂતને 4 દીકરા હોય તો પાંચ ભાગ પાડવામાં આવતા હોવાનું કહીને તંત્ર દ્વારા ભષ્ટ્રાચાર થતો હોવાનો રૂપાલાએ ટોણો માર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ જૂની વાતો વાગોળીને પુરુષોત્તમ રૂપાલાએ રમુજી વાતોથી આનંદ કરાવ્યો હતો.
આ પણ વાંચો: