સુરત : પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા સુરત જિલ્લામાં 765 KV ની વીજ ટ્રાન્સમિશન લાઈન નાખવામાં આવી રહી છે, જેનો ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યા છે. સુરત જિલ્લા ખેડૂત સમાજ અને ગુજરાત ખેડૂત સમાજ આ મુદ્દે સંયુક્ત વિરોધ દર્શાવી રહ્યા છે. ગત સપ્તાહે સુરત જિલ્લાના માંડવી અને પલસાણા તાલુકામાં ખેડૂતોને જાણ કર્યા વગર પાવર કોર્પોરેશનના અધિકારીઓએ સર્વે કામગીરી શરૂ કરતાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂત સમાજની આગેવાનીમાં લડત : વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરી સમગ્ર જિલ્લાના ખેડૂતોનો પ્રશ્નો હોવાથી આ લડત હવે સુરત જિલ્લા ખેડૂત સમાજના હેઠળ લડાઈ રહી છે. સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા મંગળવારના રોજ બારડોલીના ઐતિહાસિક આંબા ખાતે આવેલી ખેડૂત સમાજની કચેરીએ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખેડૂત સમાજની રજૂઆત : સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે જણાવ્યું હતું કે, આ વીજ લાઈન અંગ્રેજોના જમાનાના ટેલિગ્રાફ એક્ટ, 1885 કાયદા હેઠળ નાખવામાં આવી રહી છે, જે અમને મંજૂર નથી. ખેડૂતોની માંગ છે કે જે રીતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને એક્સપ્રેસ વેમાં જમીન સંપાદન હેઠળ ખેડૂતોને વળતર મળ્યું હતું. તેટલું જ વળતર વીજ લાઇનમાં જમીન ગુમાવતાં ખેડૂતોને પણ મળવું જોઈએ.
વીજ ટ્રાન્સમિશન લાઇનથી સમસ્યા શું ? પરિમલ પટેલે વધુમાં જણાવ્યું કે, સુરત જિલ્લામાંથી 765 KV ની એક વીજ ટ્રાન્સમિશન લાઇન પસાર થવાની છે, જેમાં ખેડૂતોને ખૂબ જ ઓછું વળતર મળી રહ્યું છે. ટેલિગ્રાફ એક્ટના આધારે આ કામગીરી થવાની છે. ટેલિગ્રાફ એક્ટ ટેલિફોનના થાંભલા અને વાયર પસાર કરવા માટે હતો. ટેલિફોનના વાયરમાં વીજ ટ્રાન્સમિશન નથી હોતું, જ્યારે વીજ લાઇનમાં વીજ ટ્રાન્સમિશન હોય છે. તેથી આ વીજ લાઈન નાખવાની કામગીરી અમને મંજૂર નથી. આ ઉપરાંત ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2003 હેઠળ પર આ કામ ન કરવા દેવાની ચીમકી આપી હતી, જેમાં વળતર ખૂબ જ ઓછું છે.
ખેડૂતોની માંગ : જો ખેતરમાંથી તાર પસાર થયા હોય તો જંત્રીના માત્ર પંદર ટકા અને ખેતરમાં થાંભલા ઉભા કરવામાં આવે તો જંત્રીના 85 ટકા વળતર આપવામાં આવે છે, જે ખૂબ જ ઓછું છે. તો તેમણે લાઇન લઈને જવી હોય તો જમીનની અંદરથી લઈ જવી જોઈએ. હાલ 220 KV કેબલ ઉપલબ્ધ છે. એકથી વધુ કેબલની આ લાઇન જમીનની અંદર અથવા દરિયાઈ પટ્ટી પરથી લઈ જવામાં આવે તેવી અમારી માંગ છે. ખેડૂતોને એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેનના સંપાદન મુજબ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
સરકાર નીતિ નક્કી કરે : ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે, કમ્યુનિકેશન માટે બનાવેલા ટેલિગ્રાફ એક્ટનું ખોટું અર્થઘટન કરીને આ સરકાર કેવી રીતે ઇલેક્ટ્રિસિટીના ટાવરો ઉભા કરે છે એ અમને સમજાતું નથી. ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2003 નું પણ અહીં ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. ખેડૂતોને ખોટી રીતે દબાવીને અને મહામૂલી જમીનને બરબાદ કરવા તરફ જઈ રહ્યા છે.
સુનાવણીની મુદત લંબાવવા માંગ : સરકાર આ બાબતે કોઈ નીતિ નક્કી કરે તે જરૂરી છે. જેનાથી ખેડૂતોને પોતાની જમીન આપવા માટે દુઃખ ન થાય અને ખેડૂતો હોંશે હોંશે જમીન આપે. આ પ્રસંગે ખેડૂતો સાથે પણ બેઠક કરવામાં આવી હતી. જેમાં સુરત જિલ્લા કલેક્ટર ખાતે રાખવામાં આવેલી વીજ લાઇન બાબતની સુનાવણી આજે હતી, તેની મુદત લંબાવવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી.