જુનાગઢ: સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આજે પ્રવાસીઓના મનોરંજન માટે સફેદ વાઘની એક જોડી ખુલ્લી મુકવામાં આવી છે, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પ્રાણીઓના આદાન-પ્રદાનનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે,તે અંતર્ગત જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય માંથી એક જોડી નર અને માદા સિંહની રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂને આપવામાં આવી હતી તેના બદલા માં પ્રદ્યુમન પાર્ક ઝૂ માંથી જૂનાગઢના સકરબાગ પ્રાણી સંગ્રહાલયને એક જોડી નર અને માદા સફેદ વાઘની પ્રાપ્ત થઈ છે સામાન્ય રીતે ભારતીય ઉપખંડમાં સફેદ વાઘ પશ્ચિમ બંગાળમાં આવેલા સુંદરવન વિસ્તારમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.
સફેદ વાઘ સામાન્ય વાઘ કરતા વજનમાં વધારે
જુનાગઢ સકરબાગ પ્રાણી સંગ્રહાલયના નિયામક અક્ષય જોષીએ માધ્યમોને વિગતો આપતા જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા અનુસાર નિયત કરાયેલા સમય માટે કોઈ પણ પ્રાણીને પ્રવાસીઓના નિદર્શન માટે મુકતા પૂર્વે તેને ક્વોરંટાઈન ફેસીલીટીમાં રાખવામાં આવે છે.
નિર્ધારિત સમય ગાળો પૂર્ણ થતા કોઈ પણ વન્ય પ્રાણીને પ્રવાસીઓ જોઈ શકે તે માટે નિદર્શનમાં મૂકવામાં આવે છે, આવો સમયગાળો સફેદ નર અને માદા વાઘની જોડીએ પૂર્ણ કરતા આજથી તેને સકરબાગ પ્રાણી સંગ્રહાલયના જંગલ સફારી રૂટ પર મૂકવામાં આવેલ છે.
રોયલ બેંગોલી ટાઈગર તરીકે પ્રખ્યાત સફેદ વાઘ
સફેદ વાઘ એ ભારતીય ઉપખંડના પશ્ચિમ બંગાળ રાજ્યના આવેલા સુંદરવન વન વિસ્તારમાં ખૂબ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, સફેદ વાઘ એ સામાન્ય વાઘની પ્રજાતિનું જ પ્રાણી છે, પરંતુ તેના શરીરમાં મેલાનીન નામનું રંજક દ્રવ્ય હાજર હોતું નથી, જેથી તેની ચામડીનો રંગ સફેદ દેખાય છે. વધુમાં સફેદ વાઘ સામાન્ય વાઘ કરતા શરીરમાં વજનદાર હોય છે, જેથી તે સામાન્ય વાઘ કરતા શરીરમાં મોટો દેખાય છે. વધુમાં સફેદ વાઘની લંબાઈ નાકથી લઈને પૂંછડી સુધી 9.8 ફૂટ થી લઈને 10 ફૂટ સુધીની જોવા મળે છે, જે સફેદ વાઘની વિશેષતા પણ માનવામાં આવે છે.