રાજકોટ: જિલ્લા મહાનગરપાલિકા કચેરી ખાતે સફાઈ કામદારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા સફાઈ કર્મચારીઓ દ્વારા મ્યુનિ. કમિશનર ચેમ્બર બહારથી નારાઓ લગાવીને ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે સફાઈ કર્મચારીઓની કાયમી ભરતી કરવા તેમજ અશક્ત હોય તેના સ્વૈચ્છિક રાજીનામાં મંજૂર કરવા સહિતની માગ કરવામાં આવી હતી. આ બાબતે સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયરની ચેમ્બર બહાર સફાઈ કામદારોએ હોબાળો કર્યો હતો.
27 વર્ષથી સફાઈ કામદારોની કાયમી ભરતી નથી થઈ: સફાઈ કામદાર મતે રાજકોટમાં છેલ્લાં 27 વર્ષથી સફાઈ કામદારોની કાયમી ભરતી કરવામાં આવી નથી. કોન્ટ્રાક્ટ પદ્ધતિથી વાલ્મિકી સમાજના લોકોનું શારીરિક, માનસિક અને આર્થિક શોષણ કરાઈ રહ્યું છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવાયાં નથી. સફાઈ કામદારોના પ્રશ્નો ઉકેલવામાં અધિકારીઓ કે પદાધિકારીઓને કોઈ રસ જ ન હોય તે પ્રકારનું વર્તન જોવા મળી રહ્યું છે. જેના કારણે આજે મોટી સંખ્યામાં સફાઈ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
300 જેટલા સફાઈ કામદારોને રહેમરાહે: આ ઉપરાંત વર્ષોથી અશક્ત બનેલા સફાઈ કામદારનાં રાજીનામાં મંજૂર કરી તેના વારસદારોને નોકરી અપાય છે. જો કે, આ પ્રથા પણ લાંબા સમયથી બંધ છે. સફાઈ કામદારોનાં સ્વૈચ્છિક રાજીનામાં વિવિધ બહાના કાઢી મંજૂર કરવામાં આવતાં નથી. તેમજ 300 જેટલા સફાઈ કામદારોને રહેમરાહે નોકરીમાં લેવામાં આવ્યા નથી. જેને લઈને તેમના પરિવારો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ કારણે આજે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
યોગ્ય નિરાકારણની ખાતરી આપતા મામલો ઠંડો થયો: સફાઈ કર્મચારીઓ મનપા કચેરી ખાતે એકત્ર થયા હતા. તેમજ કોપોરેશન કચેરીનાં પ્રાંગણમાં અને કમિશનર ચેમ્બર આસપાસ મહિલા અને પુરુષ સફાઈ કામદારો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો. જેને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનર સહિત અધિકારીઓ દ્વારા આગેવાનો સાથે બેઠક યોજી સમજાવટના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં લાંબી સમજાવટ બાદ તકરાર મુદ્દે સુખદ અંત આવ્યો હતો. સ્ટેન્ડીગ કમિટીના ચેરમેને યોગ્ય નિરાકારણની ખાતરી આપતા મામલો ઠંડો પડ્યો હતો.