વડોદરા: વડોદરા શહેરમાં અમુક વિસ્તારોમાં એમજીવીસીએલે સ્માર્ટ મીટર લગાવ્યા છે, પરંતુ તેમાં આડેઘડ રૂપિયા કપાતા હોવાથી લોકોએ તેનો ભારે વિરોધ કર્યો હતો. જેને પગલે વીજ કંપનીએ ઘરેલુ વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવા ઉપર થોડા સામે માટે બ્રેક લગાવ્યો છે. પરંતુ વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત્ રહેતાં વીજ કંપનીના માલિકોની ઊંઘ ઊડી ગઇ છે. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખે પોતાના શરીર ઉપર પટ્ટા મારી જનતાની વેદનાને વાચા આપવાના પ્રયાસ કરી વિરોધ કર્યો હતો. તેમજ શહેરના અકોટામાં પટેલ ચાલી અને પ્રિયલક્ષ્મી મિલ પાસેના રહેવાસીઓએ સ્માર્ટ મીટર સામે વિરોધ દર્શાવ્યો હતો.
શરીર ઉપર પટ્ટા અને સાંકળ મારી આક્રોશ વ્યક્ત કર્યો: વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહે પોતાના શરીર ઉપર પટ્ટા અને સાંકળ મારી આક્રોશ વ્યક્ત કરી, સ્માર્ટ મીટરથી ત્રણ ગણું વીજ બિલ આવતું હોવાના આક્ષેપો કર્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, "સ્માર્ટ મીટર લગાવવા હોય તો સૌ પ્રથમ ઉદ્યોગપતિઓના ઘરે લગાવો. પરંતુ આ આમ જનતાને ન મારશો. એક તરફ મોંધવારીના સમય વચ્ચે આ ડિજિટલ મિટરરની લૂંટને બંધ કરો."
ગાંધી ચિંધ્યા માંગે આંદોલનની ચિમકી: આ આંદોલાને આગળ વધારતા તેઓએ કહ્યું હતું કે, "જો સરકાર વીજ મીટરો લગાવવા બળજબરી કરશે, તો ગાંધીનગર સુધી આંદોલન કરીશું." ઉપરાંત, અકોટામાં પટેલ ચાલીમાં મહિલાઓને જૂનાં મીટર પરત આપવાની માગ સાથે દેખાવો કર્યા હતા. આ સાથે જ પ્રિયલક્ષ્મી મિલ એલકે નગરની મહિલાઓએ સ્માર્ટ મીટરનો વિરોધ કરી જણાવ્યું હતું કે, "વીજ કંપની સ્માર્ટ મીટરો નહીં કાઢે તો અમે જાતે મીટરો કાઢી વીજ કચેરીમાં ફેકી આવીશું, લાઈનો ઉપર લંગર નાખી સપ્લાય મેળવીને કામ ચલાવીશું. જેવી અનેક ચિમકીઓ વીજ ગ્રાહકોએ આપી હતી."
મીટરને લીધે અમારાં મંગળસૂત્રો વેચાઈ જશે: પ્રિયલક્ષ્મી મિલ પાસે વિરોધ કરતી મહિલાએ કહ્યું કે, "મેં 4 દિવસ પૂર્વે 2 હજારનું રિચાર્જ કરાવ્યું હતું, અને હવે માત્ર રૂ.700 જ બેલેન્સ છે. ઘરમાં એક જ વ્યક્તિનો પગાર આવે છે, તો બિલ ભરીશું કે ખાઈશું? મોદી સરકારને અમેરિકા જેવાં સ્માર્ટ સિટી બનાવવા હોય તો ત્યાંની જેમ ભણતર મફતમાં આપે. ગરીબી હટાવવાને બદલે ગરીબો હટી જાય તેવું કામ સરકાર કરે છે. સ્માર્ટ મીટરથી તો અમારાં મંગળસૂત્રો વેચાઈ જશે.
ધારાસભ્ય કેયુર રોકડીયા પ્રજાની સાથે: સયાજી ગંજના ધારાસભ્ય કેયૂર રોકડિયાએ જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટર સામે વિરોધની જાણ થતાં સરકારને જાણ કરી છે. પહેલા જનજાગૃતિનું કામ પૂરું થાય અને ફરિયાદોનું નિરાકરણ આવે, પછી જ મીટર લગાવવા વીજ કંપનીના એમડીને કહ્યું છે. 27 હજાર મીટરના પર્ફોર્મન્સની ચકાસણી શરૂ કરી, પાઈલટ પ્રોજેક્ટના ભાગરૂપે 27 હજાર મીટર લગાવવાનું લક્ષ્ય પૂરું થતાં તેની કામગીરી બરાબર છે કે કેમ તેની ચકાસણી શરૂ કરી છે. જેથી સ્માર્ટ મીટરના ગ્રાહકોનો અંસતોષ દૂર કરી શકાય.
સ્માર્ટ મીટરોમાં રિ-કનેકશન કેટલા સમયમાં થયું: તેજસ પરમાર, એમડી, એમજીવીસીએલે જણાવ્યું હતું કે, સમગ્ર શહેરમાં સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ થયો છે. ત્યારે ડેઈલી ચાર્જ બરાબર આવે છે કે કેમ? વપરાશ મુજબ ચાર્જ કપાય છે કે કેમ? ચાર્જીસ યોગ્ય રીતે કપાયા છે કે કેમ તેની ચકાસણી કરાશે. સુધારાની જરૂર હશે તો તે પણ કરાશે. ચકાસણીના અંતે જે તે નિર્ણય લેવાશે.