બનાસકાંઠા: દાંતા તાલુકાના હડાદ વિસ્તારમાં એક યુવાન સાથે અસામાજિક તત્વોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જે બાદ આ વાત વાયુવેગે પ્રસરતા ગામ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ ગામના વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખી કૃત્ય આચરનારો સામે રોષની લાગણી વ્યક્ત કરી હતી. જે બાબતે મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થઈ રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશન પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી અને આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

'આ બાબત ગંભીર છે અને કાચું કપાય નહીં તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસ ગંભીરતાથી લે અને કડક જે સજા થતી હોય તે સજા અપરાધીઓને કરવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ. અમે સૌ શાંતિપૂર્ણ રીતે પોલીસને રજૂઆત કરી છે. આવા લોકોને છોડાય નહીં અને તેમની સામે જે સજા થતી હોય તે સજા કરવામાં આવે તેવી અમારી સૌની માંગ છે. - લાધુભાઈ પારગી, આદિવાસી સમાજના અગ્રણી નેતા

'આરોપી કોઈ પણ સમાજના હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ જે બાળક સાથે કૃત્ય થયું છે અમે તેને તદ્દન સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે આરોપી સામે તંત્ર કાર્યવાહી કરી અને ઘટતા પગલાં લે તેવી અમારી પણ માંગ છે.'- ઈકબાલભાઈ મન્સૂરી, ડેપ્યુટી સરપંચ, હડાદ ગ્રામ પંચાયત

ચોક્કસથી કહી શકાય કે આ ઘટનાને લઇ મીડિયા મિત્રો કવરેજ કરવા પહોંચ્યા હતા જ્યારે હડાદ પોલીસ મથકે પીએસઆઇ સાથે વાતચીત કરતા પોલીસકર્મીઓએ મીડિયાના મિત્રો સાથે પણ ધક્કામૂક્કી કરી હોવાની ઘટના સામે આવી છે. જેને લઇ મીડિયાકર્મીઓમાં પણ રોષની લાગણી જોવા મળી હતી.