ગાંધીનગર: રાજકોટના ચકચારી અગ્નિકાંડ બાદ મોટા મોટા અધિકારીઓ વિરુદ્ધ SIT, ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા ACB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ACB દ્વારા જવાબદાર અધિકારીઓની સંપત્તિને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આજે ACB દ્વારા રાજકોટના ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ACBની તપાસમાં વધુ મિલ્કત મળી: ACB દ્વારા આવક કરતાં વધારે મિલકતને લઈને રાજકોટના ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ACBની તપાસમાં ઠેબા પાસે આવક કરતા વધુ અપ્રમાણસરની મિલકત મળી આવતા ફરિયાદ નોંધાઈ છે. ફાયર ઓફિસર પાસેથી 80 લાખની સ્થાવર અને જંગમ મિલકત મળી આવી છે. ફાયર ઓફિસર પાસેથી આવક કરતાં 67.27 ટકા વધુ મિલકત મળી આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ઠેબા પાસે મળી બેનામી સંપતિ: 2012થી 2024ના સમયગાળા દરમિયાન આવકની તપાસમાં બેનામી સંપત્તિ મળી આવતા ACB પણ ચોંકી ગયું હતું. ACBની તપાસમાં જમીન, પ્લોટ, મકાન, ઓફિસ, દુકાન વગેરે સંપતિ મળી આવી હતી. પોતાના સગા-સબંધી કે સ્નેહીજનોના નામે સ્થાવર અને જંગમ મિલકતોમાં રોકાણ કર્યું છે.
સગા-સંબંધીના નામે મિલ્કત રોકાણ કર્યુ: 01 એપ્રિલ 2012 થી 31 માર્ચ 2024 ના સમયગાળા દરમ્યાન મેળવવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ, બેંક ખાતાઓની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલ દસ્તાવેજી માહિતી, તેમના નાણાંકીય વ્યવહારોનું વિશ્લેષણ ACBના નાણાંકીય સલાહકાર દ્વારા કરવામાં આવ્યું હતું. ભીખા ઠેબા પોતાની ફરજ દરમ્યાન હોદ્દાનો દુરઉપયોગ કરી ભ્રષ્ટાચારથી નાણાં મેળવી સગા-સંબંધીના નામે મિલ્કતમાં રોકાણ કર્યું હતું.