વલસાડ: વલસાડના તિથલનો દરિયા કિનારો સહેલાણીઓ માટે ખૂબ જ આકર્ષક છે, તેથી મોટી સંખ્યામાં લોકો અહીં મુલાકાત લેતા હોય છે. તેમાં પણ ખાસ કરીને શનિ-રવિની રજાઓમાં દરિયાકિનારો સહેલાણીઓથી ઉભરાઈ જાય છે. અને મોટી જનમેદની અહીં જોવા મળી રહે છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે દરિયા કિનારે ઊંચા મોજા ઉછળે એવી શક્યતાઓ છે જેને પગલે હાલ દરિયા કિનારે આઠથી વધુ પોલીસ કર્મીઓ ગોઠવવામાં આવ્યા છે જેથી કરીને અહીં આવનારો કોઈ પણ પર્યટક દરિયાના તટમાં ન ઉતરે.

માછીમારોને પણ દરિયો ન ખેડવા આપી સલાહ: માછીમારી વિભાગમાં પણ દરિયા કિનારાના વિસ્તારમાંથી 1500 થી વધુ જેટલી બોટ ધરાવતા માલિકોને આગામી તારીખ 29 થી 2 જુન સુધીમાં દરિયો ન ખેડવા માટે સૂચન કરવામાં આવ્યું છે. જોકે મોટાભાગની બોટો હાલ ઉમરગામ જખૌ અને પોરબંદરના દરિયા કિનારે અટકાવી દેવામાં આવી છે, જેથી મોટાભાગના માછીમારોને સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર માહિતી પહોંચતી કરી દેવાય છે.

35 થી 40 km/h પવન ફૂંકાવાની શક્યતા: દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આગામી તારીખ 29 થી 2 જુન દરમિયાન 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જેને પગલે દરિયાના મોજા પણ ઉછળે એવી દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. જેને પગલે કોઈ નુકસાન ન થાય અને કોઈ જાનહાની ન બને તેના ભાગરૂપે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. અને હાલ સહેલાણીઓ માટે તિથલનો દરિયા કિનારો બંધ કરવામાં આવ્યો છે.
વેકેશનને પગલે પરિવારો અને બાળકો દરિયા કિનારે ઉમટે: હાલમાં વેકેશન ચાલી રહ્યું છે. જેને પગલે બાળકો અને પરિવાર સહિત લોકો દરિયા કિનારે આનંદ માણવા માટે ઉમટી પડતા હોય છે. આવા લોકો દરિયાના તટમાં અંદર ન જાય અને કોઈ જાનહાની ન થાય તેના માટેે હાલ વહીવટી તંત્રએ તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. સાથે જ દરિયા કિનારે મૂકવામાં આવેલા વિવિધ લાઈટના પોલ ઉપર સાઈન બોર્ડ મૂકી ઇમરજન્સી નંબરો મૂકવામાં આવ્યા છે. જેથી કરીને કોઈ ઘટના બને તો તેવા સમયે તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરી શકાય.
આમ નવસારીમાં બનેલી ઘટનાનો પુનરાવર્તન તિથલમાં ન બને તેવા હેતુ સાથે વહીવટી તંત્ર દ્વારા હાલમાં તિથલનો દરિયા કિનારો બંધ કરવામાં આવ્યો છે. સાથે જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અને માછીમારોને પણ દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે.