રાજકોટઃ રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ગરીબોને ઘરનું ઘર મળી રહે તે અંતર્ગત એક બાદ એક આવાસ યોજનાનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકામાં સામાકાંઠા વિસ્તારમાં વર્ષ 2022 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવેલા 128 જેટલા આવાસોની સોંપણી હજુ પણ કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે.
સત્તાધિશોના પેટનું પાણી નથી હલતુંઃ રાજકોટમાં ગત 18 જૂન 2022 ના રોજ રવિશંકર મહારાજ ટાઉનશિપમાં આવેલા 128 જેટલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ ખુદ વડાપ્રધાનના હસ્તે કરાયું હતું, પરંતુ છેલ્લા બે વર્ષથી મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ સત્તાધીશોએ આવાસ યોજનાનો લાભ જરૂરિયાતમંદોને મળ્યો છે કે વડાપ્રધાનની ફક્ત પ્રસિદ્ધિ માટે કરાયું છે તે સહિતના સવાલો ઢીલી કામગીરીને જોતા ઊભા થઈ રહ્યા છે. સત્તાધીઓએ તો તે બાબતે જાણવાની તસ્દી પણ લીધી નથી.
'હું તપાસ કરાવીશ' સત્તાધિશનો પણ સરકારી જવાબઃ સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, મીડિયા દ્વારા જે મુદ્દો મારા ધ્યાનમાં લાવવામાં આવ્યો છે તે બાબતે હું તપાસ કરાવીશ. બે બે વર્ષ પૂર્વે જે આવાસ યોજનાનું લોકાર્પણ થઈ ચૂક્યું છે. તે આવાસ યોજનાના ફ્લેટ લાભાર્થીઓને શા માટે સોંપવામાં નથી આવ્યા તે બાબતે હું તપાસ કરાવીશ. ત્યારે સવાલ તો એ થાય છે કે સરકાર વર્ષે હજારો કરોડ રૂપિયાનું બજેટ આવાસ યોજના પાછળ ખર્ચે છે. ત્યારે શા માટે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સરકાર દ્વારા ખર્ચ કરેલા નાણાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે કે કેમ તે બાબતની ચિંતા સુદ્ધા પણ કરતા નથી?