ડાકોર: રથયાત્રા પર રાજાધિરાજ રણછોડરાયજી ચાંદી અને પિત્તળના રથ પર બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળે છે. યાત્રાધામ ડાકોર ખાતે 7 મી જુલાઈના રોજ પુષ્ય નક્ષત્રમાં 252મી રથયાત્રા યોજાશે. રથયાત્રાને હવે ગણતરીના બાકી દિવસો રહ્યા છે, ત્યારે હાલ મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રથયાત્રામાં ભગવાન જેમાં બિરાજમાન થવાના છે તે ચાંદી અને પિત્તળના રથની મરામત કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. જેમાં છેલ્લા પંચાવન વર્ષથી ઈન્દ્રવદનભાઈ સુથાર સેવા આપે છે. તેમની સાથે અન્ય પાંચ વ્યક્તિની ટીમ આ કામગીરી બજાવી રહી છે. આ સાથે મંદિર પ્રશાસન દ્વારા રથયાત્રાના માર્ગની સાફ સફાઈ સહિતની કામગીરી માટે તૈયારી હાથ ધરાઈ છે.
![252 મી રથયાત્રાની તૈયારીઓ શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-06-2024/gj-khd-02-rathyatra-taiyari-avbb-gj10050_29062024201112_2906f_1719672072_1000.jpeg)
પુષ્ય નક્ષત્રમાં યોજાય છે રથયાત્રા: ડાકોર ખાતે પરંપરાગત રીતે પુષ્ય નક્ષત્રમાં રથયાત્રા યોજાય છે. ભગવાન રણછોડરાયજી મંદિરથી મંગળા આરતી સહિતના પારંપરિક વિધિ વિધાન બાદ ચાંદીના રથમાં બિરાજમાન થઈ ભગવાન નગરયાત્રાએ નીકળે છે. અષાઢી બીજના દિવસે જગન્નાથપુરી તેમજ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે.
![રથનું સમારકામ કરતા ઈન્દ્રવદનભાઈ સુથાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-06-2024/gj-khd-02-rathyatra-taiyari-avbb-gj10050_29062024201112_2906f_1719672072_55.jpeg)
ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે વર્ષોથી પરંપરાગત રીતે પુષ્ય નક્ષત્રમાં નગરયાત્રા યોજવામાં આવે છે. જે મુજબ સાતમી જુલાઈના રોજ પુષ્ય નક્ષત્રમાં ભક્તિ ભાવ સાથે ધામધૂમપૂર્વક 252 મી રથયાત્રા નીકળશે. જે નિયત રૂટ પર ફરી નિજ મંદિર પરત ફરે છે. નિજ મંદિરમાં પરત આવે ત્યારે ઇંડી પિંડી કરી ભગવાનની નજર ઉતારવામાં આવે છે. રથયાત્રામાં ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવો અને ભક્તજનો જોડાય છે. રથયાત્રામાં ફણગાવેલા મગ,જાંબુ અને કેરીના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.
![પુષ્ય નક્ષત્રમાં યોજાતી રથયાત્રાની તૈયારીઓ શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-06-2024/gj-khd-02-rathyatra-taiyari-avbb-gj10050_29062024201112_2906f_1719672072_266.jpeg)
તમામ તૈયારી કરવામાં આવી રહી છે: ડાકોર મંદિર કમિટીના મેનેજર જગદીશભાઈ દવેએ રથયાત્રાની તૈયારીઓ અંગે જણાવ્યુ હતું કે ચાલુ વર્ષે 252 મી રથયાત્રા સાતમી જુલાઈના રોજ યોજાવાની છે. પુષ્ય નક્ષત્રમાં રથયાત્રા યોજાય છે. સવારે નવ વાગ્યે ઘુમ્મટની અંદર ચાંદીના રથનું પૂજન અર્ચન કરી ઠાકોરજીનું અધિવાસન કરવામાં આવશે. ત્યાંથી પાંચ પરિક્રમા ફેરવી ઠાકોરજીને નીચેની પરિક્રમામાં લાવવામાં આવશે. પરિક્રમામાં અલગ અલગ કુંજોમાં બિરાજી ઠાકોરજી રથયાત્રાના માર્ગે સુરપાલ, પાલખી, ઘોડા ડંકા નિશાન તેમજ વૈષ્ણવો, ભજન મંડળીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તજનો સાથે નીકળશે.
![ચાંદી અને પિત્તળના રથની મરામત કરવાની કામગીરી શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-06-2024/gj-khd-02-rathyatra-taiyari-avbb-gj10050_29062024201112_2906f_1719672072_943.jpeg)
વીસ દિવસથી કામગીરી ચાલી રહી છે: નિયત માર્ગ પર ફરી રથયાત્રા નિજ મંદિર પરત આવશે. નિજ મંદિરમાં પરત આવે ત્યારે ઈંડી પિંડી કરી નજર ઉતારવામાં આવે છે. જે બાદ ઠાકોરજી ગર્ભગૃહમાં પ્રસ્થાન કરશે. તૈયારીના ભાગરૂપે હાલ રથના સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. જે કામગીરીમાં છેલ્લા વીસ દિવસથી કર્મચારીઓ જોતરાયેલા છે. સાફ સફાઈથી માંડીને તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે. માર્ગની સાફ સફાઈ ખાડા પુરવા માટે માર્ગ મકાન પંચાયત અને નગરપાલિકાને તથા વન વિભાગને જાણ કરાઈ છે. પોલિસ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.
![ચાંદી અને પિત્તળના રથની મરામત કરવાની કામગીરી શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-06-2024/gj-khd-02-rathyatra-taiyari-avbb-gj10050_29062024201112_2906f_1719672072_768.jpeg)
ભગવાનની સવારીના રથને સજ્જ કરાયું: રથનું સમારકામ કરતા ઈન્દ્રવદનભાઈ સુથારે જણાવ્યુ હતું કે મંદિરમાં રથયાત્રા પહેલા પંદર થી વીસ દિવસ અગાઉ ભગવાનની સવારીના ચાંદી અને પિત્તળના રથ તેમજ સાધનોની સાફ સફાઈ કરી મરામત કરી સજ્જ કરવામાં આવે છે.