ભાવનગર: જિલ્લામાં આવેલ શેત્રુંજી ડેમ મુખ્ય સિંચાઈ માટેનો ડેમ છે. જેમાં તળાજા, ઘોઘા, ભાવનગર તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળે છે. આ સાથે અન્ય ડેમોમાંથી માંગ પ્રમાણે પાણી મળે છે. ત્યારે શેત્રુંજીમાંથી પાણી આપવા તારીખ નક્કી થઈ ગઈ છે. તારીખ સાથે કેટલી પાળ પ્રમાણે પાણી મળશે તે પણ નિશ્ચિત થઇ ગયું છે. ત્યારે રવિપાકને લઈને કેટલા ખેડૂતોએ શ્રી ગણેશ કર્યા જાણો અમારા વિશેષ અહેવાલમાં.
કેટલું થયું રવિ પાકોનું વાવેતર: ખેતીવાડી અધિકારી એસ. એમ. પટેલે જણાવ્યું કે, ભાવનગર જિલ્લામાં વાત કરીએ તો રવિ સિઝનમાં મોટાભાગે 1,20,000 હેક્ટરની આસપાસ વાવેતર થતું હોય છે. જેમાં જુદા જુદા પાકોનો સમાવેશ થાય છે જેમ કે, ઘઉં, ચણા, ડુંગળી, શાકભાજી અને ઘાસચારાના પાકોનો સમાવેશ થતો હોય છે. ચાલુ વર્ષે જિલ્લામાં વાત કરીએ તો અત્યાર સુધીમાં 87,800 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર થયું છે.
આ રવિ પાકોના થયા શ્રીગણેશ: વધુમાં ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે, રવિ પાકમાં ખાસ કરીને ભાવનગર જિલ્લામાં ઘઉં 18,800 હેકટર વિસ્તારમાં , ચણા 12,463 હેક્ટરમાં , ડુંગળી 27,454 હેક્ટરમાં, શાકભાજી 3110 હેક્ટરમાં અને જ્યારે અજમાનું 2740 હેકટર જેટલા વિસ્તારમાં વાવેતર થયેલું છે. આમ જોઇએ તો પાછોતરું ચોમાસુ સારુ હતું જેનાથી પાકની પરિસ્થિતિ સારી છે. ભાવનગર જિલ્લામાં જે ખેડૂત પાસે પિયતની સુવિધા છે તેઓ ઉનાળામાં બાજરી, મગફળી, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર પણ કરતા હોય છે.
સિંચાઈ માટે વિભાગની તૈયારીઓ: ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાંથી સિંચાઈ માટેની ડાબી અને જમણી બે કેનાલો આવેલી છે. ત્યારે સિંચાઈ વિભાગના અધિકારી એ. એમ. બાલધીયાએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા શેત્રુંજી ડેમ ખાતે પાલીતાણા અને તળાજાના ધારાસભ્ય, ઘોઘા તળાજા તાલુકા પંચાયતના પ્રમુખો સહિત અન્ય આગેવાનો અને ખેડૂત આગેવાનોની ઉપસ્થિતિમાં સિંચાઈના પાણીને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી દિવસોમાં 7 જાન્યુઆરી પછી પાણી આપવાની શરૂઆત કરવામાં આવશે તેમ નક્કી થયું હતું.
કેટલા ફોર્મ આવ્યા બાદ મળશે પાણી: સિંચાઈ અધિકારી એ. એમ. બાલધીયાએ જણાવ્યું કે, યોજાયેલી બેઠકમાં 7 જાન્યુઆરી સુધીમાં 50 ટકા ફોર્મ આવ્યા બાદ પાણી આપવાની શરૂઆત કરવામાં આવશે. આ પાણી 4 થી 7 પાળમાં આપવામાં આવશે. જો કે, ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ સંપૂર્ણ ભરેલો છે, જેના આધારે આ પાણી આપવામાં આવશે. જ્યારે અન્ય હમીરપરા, ખારો, રજાવળ ડેમમાં ખેડૂતોની માગણી પ્રમાણે પાણી આપવામાં આવશે. આ સમગ્ર ડેમમાંથી જોઈએ તો 20 થી 25000 ખેડૂતોને 15,000 હેક્ટર જમીનમાં સિંચાઈનું પાણી મળી રહે તેમ છે.
આ પણ વાંચો: