ગાંધીનગર: ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગરના માર્કેટમાં ગણેશજીની મૂર્તિનું વેચાણ પણ મોટી માત્રામાં થઈ રહ્યું છે. ગણેશ ચતુર્થીનું સૌથી વધારે મહત્વ મહારાષ્ટ્રમાં હતું પણ હવે ધીમે ધીમે ગણેશ ચતુર્થીનું મહત્વ ગુજરાતમાં પણ વધી રહ્યું છે. ઠેર ઠેર લોકો ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે. આ સાથે જ લોકો ઘરમાં પણ ગણેશજીની સ્થાપના કરે છે અને ધામધૂમથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરે છે. ત્યારે માર્કેટમાં લોકો ગણેશજીની મૂર્તિ ખરીદતા જોવા મળી રહ્યા છે.
ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું ધૂમ વેચાણ: ગાંધીનગર સેક્ટર 21માં આવેલા માર્કેટમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનો ધૂમ વેચાણ થઈ રહ્યું છે. લોકો મૂર્તિની સાથે ડેકોરેશનનો સામાન પણ ખરીદી રહ્યા છે. તો ચાલો જાણીએ આ વખતે કેવા પ્રકારની મૂર્તિનું વેચાણ થઈ રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી ગણેશ મૂર્તિના વ્યવસાય સાથે સંકળાયેલા પપ્પુભાઈ પટણીએ જણાવ્યું કે, ઇકો ફ્રેન્ડલી મૂર્તિના ભાવમાં આ વર્ષે 20 થી 30 ટકા જેટલો વધારો થયો છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, મજૂરી અને રો મટીરીયલના ભાવમાં વધારો થતાં મૂર્તિના ભાવ વધ્યા છે.
લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદી કરે છે: આ વર્ષે POPની મૂર્તિ કરતા લોકો ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ખરીદતા વધારે જોવા મળી રહ્યા છે. કારણ કે, માટીમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશનું સ્થાપન કરવાથી વિસર્જન સમયે તરત ઓગળી જવાના કારણે પર્યાવરણને પણ ખૂબ ઓછું નુકસાન થતું હોય છે. આ સાથે જ ગોબરમાંથી પણ ગણેશજીની મૂર્તિ બનાવીને લોકો સ્થાપના કરી રહ્યા છે. જેથી પર્યાવરણને નુકસાન ન થાય. શહેરમાં અનેક સ્થળો પર પંડાલ બનાવવામાં આવે છે. સાથે જ લોકો ઘરે ઘરે ગણેશ ભગવાનની સ્થાપના કરી ઉત્સવની પરિવાર સાથે ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા છે.
બજારમાં 5 ઇંચથી માંડીને 8 ફૂટની પ્રતિમા: આ ઉત્સવ દોઢ દિવસથી લઈને 11 દિવસ સુધી લોકો ઉજવે છે. કોઈ ગણેશજીની સ્થાપ દોઢ દિવસ કરે છે. તો કોઈ 11 દિવસ કરે છે અને ત્યારબાદ વિસર્જન કરે છે. હાલ બજારમાં અત્યારે 5 ઇંચની મૂર્તિથી લઈને 7થી 8 ફૂટની મૂર્તિ જોવા મળી રહી છે. જે લોકો ઘરમાં ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે. તેઓ નાની-નાની મૂર્તિઓની ખરીદી કરી રહ્યા છે. જ્યારે જે લોકો પંડાલમાં ગણેશજીની સ્થાપના કરે છે. તેઓ મોટી મૂર્તિની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. મોટાભાગના લોકો માટેની ઇકો ફ્રેન્ડલી નાની મૂર્તિ લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. કારણ કે આ મૂર્તિઓ માત્ર દોઢ દિવસમાં ઓગળી જાય છે અને પર્યાવરણને નુકસાન કરતી નથી.
આ પ્રસંગે શણગારને લગતા કોઈ કડક નિયમો નહી: ગાંધીનગરમાં ગણેશ મૂર્તિ અમદાવાદ મુંબઈ અને કોલકાતાથી આવે છે. મૂર્તિ ખરીદનારની માંગ અનુસાર ગણપતિની મૂર્તિને કલર કરવા તેમજ અન્ય ડેકોરેશન કરવાનું કામ કરી આપવામાં આવે છે. જેમાં ખાસ કરીને લોકો સાફાવાળા ગણપતિ, બોર્ડરવાળા અને કપડાંથી શણગારેલી ગણપતિની મૂર્તિઓની ખરીદી પર ભાર મૂકી રહ્યા છે. લોકો ગણેશજીને જ્યારે ઘરે લાવે છે. ત્યારે તેમના સ્વાગતની જોરદાર તૈયારીઓ કરે છે. હવે તો જુદી જુદી રીતના ડેકોરેશન પણ થતું જોવા મળે છે. આ પ્રસંગે શણગારને લગતા કોઈ કડક નિયમો બનાવવામાં આવ્યા નથી. તે સારું છે કે, તમે તમારા ઘરને અનન્ય અને રચનાત્મક રીતે સજાવી શકો છો. આ ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશના શણગારનું વિશેષ મહત્વ છે.
ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની લોકોએ ખરીદી: આજકાલ ગણેશજીની મૂર્તિને પણ ઇકોફ્રેન્ડલી વસ્તુઓથી શણગારવામાં આવે છે. જેનાથી તેમના વિસર્જન સમયે પાણી ગંદુ થતું નથી. ગણેશ મંડળને સજાવવા માટે લોકો બજારમાંથી વિવિધ પ્રકારની LED લાઇટ અને બલ્બ ખરીદી રહ્યા છે. ગણેશ મંડપને સજાવવા માટે થર્મોકોલની શીટનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. ગણપતિદાદાનાં શણગારમાં ફૂલોનો અનેરો મહત્વ રહેલું છે. લોકો મંડપના શણગાર માટે કુદરતે ફૂલોની સાથે આર્ટિફિશિયલ ફુલ પણ ખરીદી રહ્યા છે. આર્ટિફિશિયલ ફુલ ઝુમ્મર, લટકણીયા માળા વગેરે વગેરેનું બજારમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે.હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. ભગવાન ગણેશને બધા દેવતાઓમાં સૌથી પહેલા પૂજવામાં આવે છે. પરંતુ હવે વાત કરીએ ગણેશ ચતુર્થીની તો ભક્તો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ તિથિમાં ભગવાન ગણેશનો જન્મ: પંચાંગના અનુસાર, દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીએ ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અને કથાઓના અનુસાર, આ તિથિમાં ભગવાન ગણેશનો જન્મ થયો હતો. તેથી આ પર્વને બાપ્પાના જન્મોત્સવ તરીકે દેશમાં મનાવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 07 સપ્ટેમ્બરે છે. આ દિવસે લોકો ભગવાન ગણેશની વિશેષ પૂજા અર્ચના કરે છે. મંદિર અને પંડાલમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. તો બીજી તરફ ઘણા લોકો ઘરે બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરે છે. આ રીતે ધૂમધામથી 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ મનાવ્યા પછી ગણપતિ વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ વિસર્જન 17 સપ્ટેમ્બરે છે.
આ પણ વાંચો: