અંબાજી : યાત્રાધામ અંબાજી ખાતે " પોષી પૂનમ- શાકંભરી પૂનમ " માતાજીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરાઇ હતી. અંબાડી પર માતાજીની નગરભ્રમણની શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં માતાજીનો રથ, ઊંટ ગાડી, ડી.જે, રાજસ્થાની લોક નૃત્ય, આદિવાસી લોક નૃત્ય સહિતની ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
માઈભક્તોનો ધસારો : માતાજીની નગર શોભાયાત્રામાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ પોષ સુદ પૂનમ જે " પોષી પૂનમ /શાકંભરી પૂનમ " તરીકે ઓળખાય છે તે માતાજીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અંબાજી મંદિર ખાતે ચૌદસની રાતથી જ મોટા ભાગે દૂર દૂરથી પૂનમ ભરવા આવતાં માઈ ભક્તો અંબાજી ખાતે આવી પહોંચ્યા હતાં. જેના લીધે વહેલી સવારથી જ ગબ્બર શક્તિપીઠ અને અંબાજી મંદિર ખાતે માઈભક્તોનો ધસારો જોવા મળ્યો હતો.
અખંડ જ્યોતમાંથી જ્યોત લવાઇ : માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખતા પોષી પૂનમના દિવસની દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારે ગબ્બર શક્તિપીઠ ખાતેથી માતાજીની અખંડ જ્યોતમાંથી જ્યોત લાવી શક્તિદ્વાર ખાતેથી નીકળતી માતાજીની નગર શોભાયાત્રામાં માતાજીનું પૂજન કરી સવારે 10 વાગ્યેથી શોભા યાત્રાની શરૂઆત કરાઈ હતી.
શોભાયાત્રા સમગ્ર અંબાજી નગરમાં ફરી : આ શોભાયાત્રામાં જેમાં અંબાડી પર માતાજીને વિરાજમાન કરાયા હતાં અને તેની પાછળ વિવિધ શાકભાજી અને ફળોથી શણગારેલ માતાજીનો રથ, ઊંટ ગાડી, ડી.જે,આદિવાસી નૃત્ય, રાજસ્થાની લોક નૃત્ય સહિતની અનેક ઝાંખીઓએ નગર શોભાયાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું. શક્તિદ્વારથી નીકળેલી નગર યાત્રા જૂના નાકા થઈ સમગ્ર અંબાજી નગરમાં ફરી સાંજે શક્તિદ્વારે પરત આવી હતી.