પોરબંદર: જિલ્લામાં ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેમ પણ તસ્કરો દ્વારા થતી ચોરીના બનાવો અવાર નવાર જોવા મળે છે. હાલમાં જ પોરબંદરના લક્ષ્મીનગરના ગરમી ચોક પાસે રહેતો એક પરિવાર ચારધામની જાત્રામાં ગયા હતા, તે દરમિયાન પાછળથી તસ્કરોએ ઘરમાંથી 35,000ની રોકડ તથા છ તોલા દાગીનાની ચોરી કરી હતી.
ઘરનો બધો સામાન અસ્તવ્યસ્ત હતો: પોરબંદરના પ્રાગજીબાપા આશ્રમ પાસે આવેલ લક્ષ્મીનગરના ગરબીચોક પાસે રહેતા નિલેશભાઈ સુખડિયા તેના પરિવાર સાથે ચારધામની યાત્રા માટે ગત 4મેના રોજ ગયા હતા. જાત્રા પૂર્ણ કરી જ્યારે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે તેમણે જાણ થઈ કે તેમના ઘરમાં તસ્કરો દ્વારા ચોરી થઈ છે. આ ચોરોએ ઘરનો બધો સામાન અસ્તવ્યસ્ત કરી નાખ્યો હતો. ત્યારબાદ નિલેશભાઈ સુખડિયાએ તરત જ પોલીસમાં આ બનાવ વિશે ફરિયાદ નોંધાવી હતી.
તસ્કરોને પહેલીથી જ ખ્યાલ હતો: મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, આ તસ્કરોને પહેલીથી જ ખ્યાલ હતો કે નિલેશભાઈ સુખડિયા ચારધામની યાત્રામાં ગયા છે. ઉપરાંત એવી પણ અટકળો થઈ રહી છે કે ખૂબ લાંબા સમય સુધી મકાનમાં તાળું લાગેલ હોવાથી તસ્કરો ઘરની રેકી કરી ઘરમાં ચોરી કરી છે. પોલીસ વિભાગ દ્વારા હાલ તસ્કરોને પકડવા માટે અલગ-અલગ ટીમ બનાવી, સિસિટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલીજન્ટની મદદથી કામગીરી હાથ ધરી છે.
લોકો દ્વારા તાત્કાલિક એક્શન લેવાની માંગ: હાલ પોરબંદર જિલ્લામાં તસ્કરો દ્વારા થઈ રહેલી ચોરીના બનાવને પરિણામે પોલીસ દ્વારા પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે. અને સીસીટીવીની મદદથી ચોરને પકડવાની કામગીરી હાથે ધરાઇ છે. જો કે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક એક્શન લેવામાં આવે તેવી માંગ થઈ રહી છે.