પોરબંદરઃ શહેરની પરિશ્રમ સોસાયટીમાં ગાંજા વેચાણ કરી રહેલા 3 શખ્સોને પોલીસે 1 કિલો 64 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધા છે. પોરબંદર જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહા નિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથ સિંહ જાડેજાની સૂચના દ્વારા માદક દ્રવ્યોનું સેવન અને વેચાણ કરતા ઈસમોને જબ્બે કરવાના સૂચન કરવામાં આવ્યા છે. આ સૂચન અનુસાર પોલીસ કામગીરી કરી રહી છે.
સમગ્ર ઘટનાક્રમઃ પીઆઈ કે.એમ.પ્રિયદર્શી, પીએસઆઈ આર.પી.ચુડાસમા તથા પી.ડી.જાદવે અલગ અલગ ટીમો બનાવી ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી. હેડ કોન્સ્ટેબલ રવિન્દ્ર ચાંઉ, મોહીત ગોરાણીયા તથા સમીર જુણેજાને ગાંજા વેચાણ સંદર્ભે ચોક્કસ બાતમી મળી હતી. જેમાં પરીશ્રમ સોસાયટી એસ.બી.આઈ કોલોની પાછળ રહેતા સાબીર, કાસમ ઈસાક ચાવડા તથા મિલન ભટ્ટ ગાંજાનું વેચાણ કરે છે તેવી માહિતી મળી હતી. પોલીસે આ સ્થળે રેડ કરતા એક થેલીમાં લીલાસ પડતા ભુખરા કલરના સુકા પાંદડા, ડાળખા અને બી વાળો વિશિષ્ટ વાસ ધરાવતો ગાંજો મળી આવ્યો હતો. જેનું વજન 1.64 કિલો અને કુલ કિંમત 10,640 રુપિયા જેટલી થવા જતી હતી. પોલીસે આરોપીઓની ઘરપકડ કરીને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ-1985ની કલમ 8(સી), 20(બી), (2-બી), 29 અંતર્ગત ગુનો નોંધ્યો છે.
માસી નામે ઓળખાતી મહિલા પોલીસ પહોંચથી દૂરઃ આ ગુનામાં પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણેય શખ્સો રેલવે એટેન્ડસની જોબ કરતા હતા અને કોલકતામાં માસી નામની મહિલા પાસેથી ગાંજો લાવતા હતા. પોલીસે કલકતા શાલીમાર રેલવે સ્ટેશનની બાજુમાંથી માસી નામે ઓળખાતી મહિલાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.