પોરબંદર: લોકસભાના ઉમેદવાર ડો.મનસુખભાઇ માંડવિયા અને વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડીયાએ આજે તા. 15 એપ્રિલ 2024 ના રોજ 5 લાખ ની લીડ સાથે જીત મેળવવાના વિશ્વાસ સાથે નામાંકન ફોર્મ ભર્યું છે. ફોર્મ ભરતા પૂર્વે પોરબંદરના સુદામાચોક ખાતે વિશાળ સભા યોજવામાં આવી હતી.
સંતો મહંતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા: આ સભા માં ગુજરાત ભાજપના હોદેદારો તેમજ સંતો મહંતો અને મોટી સંખ્યામાં પોરબંદરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભાબાદ વિશાળ રેલી પણ યોજવામાં આવી હતી, આ રેલીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદરના રાજમાર્ગ ઉપર અભૂતપૂર્વ દ્રશ્યો જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં પોરબંદરવાસીઓ જોડાયા હતા. ઉમેદવારો ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
મનસુખ માંડવિયાએ સભાને સંબોધતા જણાવ્યું: આ પ્રસંગે પોરબંદર લોકસભા બેઠક ના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયા એ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, હું ચૂંટણી લડવા માટે આવ્યો નથી લોકોના દિલ જીતવા માટે આવ્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ મારા નામાંકનમાં સમર્થન આપ્યું છે.
અર્જુનભાઈ મોઢવાડિયાએ શું કહ્યું: પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસ કરી રહ્યો છે હજુ પણ સતત ત્રીજી વખત ભાજપ 400થી પણ વધુ બેઠકો મેળવશે. પોરબંદરને મનસુખ માંડવીયા જેવા કેન્દ્રીય મંત્રી ઉમેદવાર તરીકે આપ્યા છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠક ઉપર ભાજપને પાંચ લાખથી પણ વધુની લીડ મળશે. અર્જુન મોઢવાડિયા સામે કૉંગ્રેસ દ્વારા રાજુ ઓડેદરાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.