પોરબંદરઃ જિલ્લામાં ભારે વરસાદની આગાહી અનુસાર સતત વરસાદ વરસી રહ્યો છે. ગત સાંજથી વરસાદે ધનાધન બેટિંગ શરૂ કરી હતી. પોરબંદર પંથકમાં વરસાદે માજા મૂકી હતી. પોરબંદરના કુતિયાણામાં 8 ઈંચથી પણ વધુ વરસાદ વરસતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા હતા. જ્યારે જૂનાગઢ પોરબંદરની હદ પૂર્ણ થાય છે તે રસ્તા ચોટા ગોલાઈ પાસે રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો. તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.
8 ઈંચથી વધુ વરસાદઃ પોરબંદર જિલ્લામાં ગત સાંજથી વરસાદે માજા મૂકી હતી. પોરબંદર શહેર સહિત પોરબંદર તાલુકામાં 4 ઈંચથી વધુ અને કુતિયાણા તાલુકામાં 8 ઈંચથી વધુ તથા રણાવાવમાં પણ વધુ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી. જ્યારે આ વરસાદના કારણે આસપાસના ગામડાઓમાં ઈલેક્ટ્રી સિટીની સમસ્યા સર્જાઈ હતી. કલાકો સુધી વીજળી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઉપરાંત પોરબંદર શહેરના પણ અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી. લોકોએ તંત્રને વરસાદી પાણીનો નિકાલ કરવા રજૂઆતો કરી હતી. સામાજિક કાર્યકર દિનેશ થાનકી એ જણાવ્યું હતું કે, પોરબંદર શહેરમાં જ્યાં પાણી ભરાઈ રહેતા ત્યાં પાણીનો નિકાલ ન થતા હવે રહેણાંક વિસ્તારમાં રસ્તાઓ પર પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ જવાના અનેક બનાવ બન્યા છે. જેને તંત્રની પોલ ખોલી છે તો પોરબંદર શહેર સહિત અનેક ગામડાઓમાં વીજળી ગુલ થવા લાગીછે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી.
જૂનાગઢ-પોરબંદર હદ પર પાણી ભરાયાઃ કુતિયાણા તાલુકા ના પ્રાંત અધિકારી પરેશ વાંદાના જણાવ્યા અનુસાર, ગત સાંજથી ભારે વરસાદ ના કારણે માણાવદરના બાટવા ખારા ડેમમાં નવા નીર ની આવક વધતા વોટર ડ્રોપ અને લોગીંગની સમસ્યા વધી છે. જૂનાગઢ અને પોરબંદર જિલ્લાની હદ પુરી થાય છે એ કુતીયાણાના ચૌટા ગામ પાસે પાણી ને કારણે વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને લોકોને પણ ભયજનક જણાય તેવા રસ્તા પર વાહન લઈને ન જવા અને તંત્રને સહકાર આપવા વિનંતી કરી હતી.