રાજકોટ: જિલ્લામાં વિરોધ પક્ષ દ્વારા લોકોને અને તંત્રને જગાડવા તેમજ ભ્રષ્ટાચાર થતો અટકાવવા માટે યૂથ કોંગ્રેસ અને NSUI દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રયાસ અંતર્ગત ભ્રષ્ટાચારથી ખદબદતી મનપામાં સુશાસન માટે કોંગ્રેસ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ સ્પર્ધકને રૂપિયા 51,000, દ્વિતીય સ્પર્ધકને રૂપિયા 21,000 અને તૃતીય ક્રમે આવનાર સ્પર્ધકને રૂપિયા 11,000નું રોકડ ઇનામ આપવામાં આવશે. તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
ભ્રષ્ટાચાર મુદ્દે નિબંધ સ્પર્ધા: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતા ડો. રાજદીપસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું હતું કે, 'રાજકોટ મનપામાં ઘણો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. રોડ-રસ્તા સહિત હવે સ્મશાનનાં લાકડાંમાં પણ કૌભાંડ સામે આવી રહ્યા છે. આવા મુદ્દે જાહેર જીવનમાં આક્ષેપબાજી થતી હોય છે આ દરમિયાન યૂથ કોંગ્રેસ તેમજ NSUI દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં મનપામાં સુશાસન કઈ રીતે લાવી શકાય તેના માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિબંધ સ્પર્ધામાં હાલ મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારને કઈ રીતે અટકાવવો, કઈ રીતે સુશાસન લાવી શકાય એ માટેનો 1500-2000 શબ્દોમાં નિબંધ લખીને લોકોએ અમને મોકલવાનો રહેશે. અમારા તજજ્ઞોની ટીમ દ્વારા આ નિબંધો પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ નક્કી કરવામાં આવશે. જેમાં વિજેતા થનાર પ્રથમ સ્પર્ધકને રૂપિયા 51,000 દ્વિતીય સ્પર્ધકને રૂપિયા 21,000 અને તૃતીય ક્રમે આવનાર સ્પર્ધકને રૂપિયા 11,000નું રોકડ ઇનામ આપવામાં આવશે. તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવશે.'
યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા આ સ્પર્ધાની જાહેરાત: રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આરોપ સાથે કોંગ્રેસ દ્વારા સુશાસન માટે નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા આ સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી હતી અને લોકોને કોર્પોરેશનમાં થતા ભ્રષ્ટાચાર અને તેને રોકવા માટે શું કરી શકાય તેવા મુદ્દે નિબંધ લખવા આવાહન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ મામલે કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન: નિબંધ સ્પર્ધા તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપનો વળતો જવાબ આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, 'રાજકોટમાં વર્ષ 2000માં કોંગ્રેસના તત્કાલીન મેયર સ્વ. મનસુખ ચાવડાએ તેમની સખી સાથે વાત કરવા લાખોના બિલ પ્રજાના ખર્ચે ભર્યા હતા, ત્યારે કોંગ્રેસે પોતાના શાસનકાળનો પણ નિબંધ લખાવવો જોઈએ.' તેમણે વધુમાં કહ્યું કે, 'તેમનો ભ્રષ્ટાચાર સામે આવતા કોંગ્રેસે તેમને મેયર પદેથી હટાવવા પડ્યા હતા. રાજકોટના પ્રથમ નાગરિક એવા મેયર કોંગ્રેસના શાસનકાળમાં ભ્રષ્ટાચાર કરતા હતા. તેમજ કોંગ્રેસના શાસનકાળમાં સ્વ. ડેપ્યુટી મેયર શકિલભાઈ રફાઈ સરકારી કારમાં આબુથી દારૂ લાવતા પકડાઈ ગયા હતા. કોંગ્રેસના આ સમયમાં મેયર બંગલે શું થતું હતું તે તમામ બાબતે કોંગ્રેસે નિબંધ લખાવવાની જરૂર છે, પરંતુ આ અંગે કોંગ્રેસના મિત્રો કેમ કઈ બોલી શકતા નથી? કોંગ્રેસનું કામ આક્ષેપબાજીનું છે. પ્રજા બધું જાણે છે, એટલે જ વર્ષ 2021માં કોર્પોરેશનમાં માત્ર 4 કોર્પોરેટરો કોંગ્રેસના ચૂંટાયા હતા, જેમાંથી પણ 2 અન્ય પક્ષમાં જોડાયા અને ફરી પાછા આવ્યા છે. આ ચારેય પોતાના વોર્ડ નંબર 15માં વિકાસના કામો થવા દેતા નથી, તેમના વોર્ડમાં પણ અનેક કામો મંજુર કર્યા હોવા છતાં કોન્ટ્રાક્ટરોને દબાણ કરી કામ થવા દેતા નથી.'
આ પણ વાંચો: