સુરત : હૈદરાબાદના ધારાસભ્ય રાજાસિંહ અને નુપુર શર્મા સહિત સનાતની નેતાઓની હત્યાનું કાવતરું ઘડનાર આરોપી પોલીસના હાથે ઝડપાયો છે. આરોપી પાકિસ્તાન અને નેપાળ સહિતના અન્ય દેશોના લોકો સાથે વોટ્સએપના માધ્યમથી સંપર્કમાં રહેતો હતો. આ કેસમાં પકડાયેલા કઠોર ગામના મૌલવી મોહમ્મદ સોહેલને લઈને ક્રાઈમ બ્રાંચ ટીમ કામરેજમાં સ્થિત સ્વાગત રેસીડેન્સીમાં પહોંચી હતી. અહીં આરોપીના ઘરે પોલીસે તપાસ હાથ ધરી અને મોબાઈલ ફોન કબજે કર્યો છે.
શંકાસ્પદ બેગ મળી : સનાતની નેતાઓની હત્યાનું કાવતરું ઘડનાર આરોપીના ઘરે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આશરે દોઢ કલાક તપાસ હાથ ધરી હતી. જેમાં મોબાઈલ સહિત ચાર બેગ જપ્ત કરી છે. જેમાં બે બેગની ઉપર કઠોળમાં સ્થિત જામિયા હક્કાનીયા ઈસ્લામિયાનીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, જામિયા હક્કાનીયા ઇસ્લામિયા મદ્રેસા છે. આ ઉપરાંત સુરત ક્રાઈમ બ્રાન્ચને અનેક મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે.
હિન્દુવાદી નેતાઓની હત્યાનું કાવતરું : રવિવારના રોજ ક્રાઈમ બ્રાન્ચ ટીમે આરોપી મૌલાનાને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેમાં કોર્ટે મૌલવીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ક્રાઈમ બ્રાંચની ટીમે એક ઓપરેશન હાથ ધરીને ચોકબજાર ભરીમાતા રોડ પર ફૂલવાડી પાસેથી મૂળ મહારાષ્ટ્રના મૌલવી મહમદ સોહેલ ઉર્ફે મોલવી અબુબકર ટીમોલની ધરપકડ કરી હતી. આરોપી છેલ્લા ઘણા સમયથી તે હિંદુ સનાતન ધર્મના રાષ્ટ્રીય નેતા ઉપદેશ રાણા તેમજ હૈદરાબાદના હિન્દુવાદી નેતા રાજાસિંહ, સુદર્શન ચેનલના એડિટર ઈન ચીફ સુરેશ ચવ્હાણ અને નૂપુર શર્માની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો.
આરોપી મૌલવી સોહેલ : મૌલવી પાકિસ્તાનના ડોગર અને નેપાળના શેહનાઝ નામના વ્યક્તિ સાથે વોટ્સએપના માધ્યમથી સંપર્કમાં હતો. આરોપીએ પાકિસ્તાનના ડોગરને ઉપદેશ રાણાનો ફોટો મોકલી તેની હત્યા કરવા માટે કહ્યું હતું. તેમજ હથિયારની વ્યવસ્થા કરવા પણ કરવા માટેની વાતચીત કરી હતી. પોલીસને આ માહિતી આરોપીના મોબાઈલમાંથી મળી આવી હતી. આરોપી પાકિસ્તાન ઉપરાંત વિયેતનામ, ઈન્ડોનેશિયા, કઝાકિસ્તાન અને લાઓસ દેશના કોડવાળા વોટ્સએપ ધારકો સાથે સંપર્કમાં રહેતો હતો. ક્રાઈમ બ્રાંચે મૌલવી મહમદ ટીમોલને 14 દિવસ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો.
પોલીસ તપાસ : પોલીસે એવો મુદ્દો રજૂ કર્યા હતો કે, મૌલવીએ હાલ સુધી માત્ર વિદેશમાં જ વાતચીત કરી છે. તો તેનો લોકલ હેન્ડલર છે કે નહીં તેની તપાસ કરવી જરૂરી છે. સુરતમાં કે અન્ય શહેરમાં તેના સાથે બીજું કોણ કોણ સંકળાયેલું છે તેની તપાસ કરવી. ઉપરાંત ઉપદેશ રાણાની હત્યાની સોપારી આપી હતી તો કોને આપી હતી, તેને રૂબરૂ મળ્યો હતો કે કેમ તેની તપાસ તેમજ પાકિસ્તાનના શખ્સને ઉપદેશની હત્યા માટે રૂ. 1 કરોડની ઓફર કરી તો તેનું ફંડિંગ કોણ કરવાનું હતું. ઉપરાંત હથિયાર મળ્યું છે કે નહીં, ઉપદેશ રાણા સુરતના ગોડાદરા વિસ્તારમાં રહે છે તેના ઘરની રેકી કરી હતી કે કેમ તેવા મુદ્દાની તપાસ માટે પોલીસે રિમાન્ડ માંગ્યા હતા.