નવસારી: સુરત અને વલસાડ બાદ નવસારી જિલ્લાના દરિયા કિનારે બિનવારસી ડ્રગ્સ મળી આવવાની ઘટનાને પગલે જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું છે. સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીઓ પણ દક્ષિણ ગુજરાતના ડ્રગ્સ ની તપાસમાં જોતરાઈ ગઈ છે. 60 કિલો વજન જેની કીંમત 30 કરોડ 7 લાખ નું ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સ મળવું અને એ પણ બિનવારસી હાલતમાં જે મોટા રેકેટની શંકા જન્માવે છે.
નવસારીના ઇતિહાસમાં પ્રથમ વખત 30 કરોડ જેટલું મોટું ડ્રગ્સનું રેકેટ નવસારી જિલ્લા પોલીસના હાથે લાગ્યું છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઓંજલ માછિવાડના ચાંગલી ફળિયાના દરિયા કિનારે 50 પેકેટ અસિસ નામનું નાર્કોટિક ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. અંદાજે ચાર મહિનાથી વધુ સમયથી દરિયામાં પડ્યું હતું અને પાંચ લેયરમાં પેકિંગ કરીને દરિયામાં બીનવારસી હાલતમાં પડ્યું હતું. જે દરિયા કિનારે તણાઈ આવ્યું છે, પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન મળી આવતા ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
વલસાડ સુરત અને હવે નવસારીમાં મોટા પાયે ડ્રગ્સનો જથ્થો મળી આવતા સ્ટેટની એજન્સીઓ કામે લાગી છે. વલસાડ અને સુરત બાદ નવસારી જિલ્લામાં મળી આવેલું નાર્કોટિક ડ્રગ્સમાં સામ્યતા જોવા મળી રહી છે. ડ્રગ મળવાની ઘટનામાં બિન વાર્ષિક હોવાના કારણે પોલીસ દિશા વિહીન બની છે અને પેડલરો તથા સ્થાનિક માછીમારોના સહયોગથી દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારીને તપાસ હાથ ધરી છે.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતના દરિયાકિનારે બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળી આવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ડ્રગ્સ મળવાની ઘટનાને પગલે ગુજરાત હવે સમગ્ર દેશમાં ચર્ચાના ચકડોળે ચડ્યું છે. ગુજરાતના દરિયાકિનારે વારંવાર મળી રહેલા બિનવારસી ડ્રગ્સને પગલે વિવિધ આશંકાઓ પ્રવર્તી રહી છે. વલસાડ અને નવસારીના મળેલા ડ્રગ્સના જથ્થામાં સામ્યતા હોવાનું અને ઈરાન અથવા અફઘાનિસ્તાનથી ડ્રગ્સ આવ્યું હોવાનું પ્રાથમિક તારણ જિલ્લા પોલીસ કરી રહી છે હાઈલી પ્યોરીફાઈડ ફોર્મમાં મળેલું ડ્રગ્સ હજુ લેબોરેટરીમાં મોકલ્યા બાદ તેની સાંદ્રતા માપવાની પોલીસે કામગીરી શરૂ કરી છે.
દક્ષિણ ગુજરાતમાં મળેલા ડ્રગ્સને પગલે દક્ષિણ ગુજરાતનો દરિયા કિનારો જાણે ડ્રગ્સની હેરફેરનું સ્થળ બની ગયું હોય તેમ એક પછી એક જિલ્લાઓમાં ડ્રગ્સનો બીન વાર્ષિક જથ્થો મળી રહ્યો છે. બિનવારસી ડ્રગ્સનો જથ્થો આવ્યો ક્યાંથી? અને જો આવ્યો તો કયા દેશમાંથી અને કોણ લાવ્યું હતું? ઉર્દુ લખાણમાં પેકેટમાં પેક કરેલું અને પાણીમાં ન પલળે તેવું પાંચ લેયરવાળુ પેકિંગ ક્યાં કરવામાં આવ્યું? સમગ્ર ઘટનાક્રમ પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે.
જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, ગઈકાલે કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ઓન્જલ માછીવાડ ખાતેના દરિયાઈ બીચ ઉપર પાંચ જુદી જુદી જગ્યાએથી 50 પેકેટ ડ્રગ્સ ના મળી આવ્યા છે, જે એફએસએલ રિપોર્ટ કરાવતા અસિસ નામનું ડ્રગ્સ હોવાનું માલુમ પડે છે. જે તમામ પેકેટ 1200 ગ્રામના છે જે પાંચ લેયરમાં પેક કરવામાં આવ્યા છે અને 60 કિલો જેટલો જથ્થો મળી આવ્યો છે તેની અંદાજિત બજાર કિંમત 30 કરોડ રૂપિયા છે. આ પેકેટ ઉપર ઉર્દુ ભાષામાં કંઈક લખેલું જણાય આવે છે, હાલ અમારી બાર જેટલી ટીમો દ્વારા વધુ તપાસ ચાલુ છે.