સુરત: ગોડાદરા વિસ્તારમાં ડોક્ટર પર એસિડ ફેંકવાની ઘટનામાં ગોડાદરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી. ધીરૂ કવાડ નામનો આરોપી ડોક્ટરનો નજીકનો સબંધી નીકળ્યો છે. તેણ ડોક્ટર પર એસિડ નાખીને હુમલો કર્યો હતો, પારિવારિક ઝગડામાં મનદુ:ખ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
શા માટે કર્યો એસિડથી હુમલો
પીડિત ડો.સામજી બલદાણિયા ઝગડો કરાવે છે તેવો વહેમ રાખી આરોપીએ એસિડ ફેંક્યુ હતું. જેના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. જ્વલનશીલ કેમિકલ હુમલામાં ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થયા હતા. આરોપીની પત્નીને છેલ્લાં 8 વર્ષથી તેની દેરાણી સાથે ઝગડો ચાલતો હતો. દેરાણીના ભાઈ ડોક્ટર છે અને તે ઝગડા કરાવે છે તેવો વહેમ રાખી આરોપી ધીરૂ કવાડે આ હુમલો કર્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
પોીલસે કરી આરોપીની ધરપકડ
આ બાબતે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું કે, સુરતના ગોડાદરા વિસ્તારની પ્રિયંકા મેગાસીટીમાં ક્લિનિક ચલાવતા ડોક્ટર પર એસિડ હુમલાની ઘટનામાં આ તબીબની બહેનના જેઠ ધીરૂ કવાડની ધરપકડ કરાઈ છે. ધીરુની પત્ની મધુબેન અને દેરાણી ગીતાબેન વચ્ચે આઠ વર્ષથી સતત ઝઘડો ચાલી રહ્યો હતો. આ ઝઘડો ગીતાના ડોક્ટર ભાઈ કરાવતા હોવાની આશંકામાં તેની ઉપર એસિડ એટેક કર્યો હોવાનું આરોપી ધીરૂએ જણાવ્યું હતું. આરોપીના એક માત્ર યુવાન પુત્રને કેન્સર હોવાનું બહાર આવ્યું છે, ઘરનો એક માત્ર કમાઉ વ્યક્તિ ધીરૂ જ હતો. બીજી તરફ તબીબની બંને આંખમાં એસિડ જતાં એક આંખ ગંભીર રીતે નુકસાન પામી છે. તબીબની જિંદગી સાથે જે બહેનને મદદ કરતો હતો તે પણ મુશ્કેલીમાં મૂકાઈ ગઇ છે. આ તબીબની બહેન તેના નાનાભાઈને પરણી હતી. બંને દેરાણી જેઠાણી વચ્ચે આઠ વર્ષથી કોઈકને કોઈ કારણસર ઝઘડો ચાલ્યો આવતો હતો. જેને લઈને ઘરમાં રોજ કકળાટ થતો હતો.
દેરાણી-જેઠાણીના ઝઘડામાં જેઠે હિંસક ભૂમિકા ભજવી
આ તબીબ તેની બહેનને આર્થિક મદદ પણ કરતા હતા. જેથી તબીબ જ તેની બહેનને ઝગડા માટે ઉશ્કેરતો હોવાની શંકા પ્રબળ બની હતી. રોજ રોજના કકળાટથી રોષે ભરાયેલા ધીરૂએ તબીબનું જ કાસળ કાઢી નાંખવાના ઈરાદા સાથે તેણે એસિડ એટેક કર્યાની કબુલાત કરી હતી. પોતે હીરામાં નોકરી કરતો હોઈ હીરા સાફ કરવા માટે વપરાતું સલફ્યુરિક એસિડ તે મહીધરપુરામાં આવેલી દુકાનમાંથી ખરીદી લાવ્યો હતો. રીક્ષામાં બેસી તે પ્રિયંકા મેગા સીટી સુધી ગયો હતો. બે વખત આંટા ફેરા માર્યા હતા, પરંતુ ત્રીજી વખત કલીનીકમાં ઘૂસી ગયો હતો અને સીધું જ તેમની પર એસિડ નાખી દીધું હતું.